લોકસભામાં હંગામા વચ્ચે ‘જી રામ જી બિલ’ પાસઃ વિપક્ષે ફાડી બિલની નકલ

નવી દિલ્હીઃ મનરેગાનું નામ બદલીને વીબી જી રામ જી બિલની ચર્ચા દરમિયાન લોકસભામાં હંગામો થયો હતો. કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, ‘VB-G રામ જી’ બિલ પર જવાબ આપ્યો હતો.
આ દરમિયાન વિપક્ષે બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. વિપક્ષના સાંસદો વેલમાં પહોંચી ગયા અને કાગળો ફેંક્યા હતા જેને લઈ સ્પીકર ઓમ બિરલા નારાજ થઈ ગયા હતા અને કહ્યું હતું કે જનતાએ તમને કાગળ ફાડવા અને ફેંકવા માટે ગૃહમાં નથી મોકલ્યા.
આપણ વાચો: ‘મનરેગા’થી ‘એનબીએ’ સુધી, મોદી સરકારે 11 વર્ષમાં કેટલી યોજનાના નામ બદલ્યાં?
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, ડીએમકેના ટીઆર બાલુ તથા સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ સહિત વિપક્ષના અનેક સભ્યોએ બિલનો ઘણો વિરોધ કર્યો હતો. વિપક્ષના સાંસદોએ કહ્યું યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું રાષ્ટ્રપિતાનું અપમાન છે અને કહ્યું કે, બિલ રાજ્યો પર વધારે બોજ નાંખે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ કાયદાને ગ્રામીણ ભારતના ‘કામના અધિકાર’ પર હુમલો ગણાવ્યો હતો. વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પણ સંસદના મકર દ્વાર પર વિપક્ષી સાંસદો સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કેટલાક સાંસદોએ ગૃહમાં બિલની નકલો ફાડી નાખી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, અમે કોઈની સાથે ભેદભાવ કરતા નથી. બાપુ અમારા પ્રેરણા અને આદર છે. આખો દેશ અમારા માટે એક છે.
આપણ વાચો: લોકસભામાં ભારે હંગામા વચ્ચે મનરેગાનું સ્થાન લેનાર “જી રામ જી” બિલ રજુ કરાયું, વિપક્ષે કર્યા આક્ષેપ
કોંગ્રેસ માત્ર નેહરુના નામ પર કાનૂન બનાવ્યા છે અને હવે એનડીએ સરકાર પર સવાલ ઉઠાવી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે મનરેગા ભ્રષ્ટાચારનો એક મોટો હિસ્સો હતો અને આ કાનૂન વિચાર-વિમર્શ બાદ લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે જણાવ્યું હતું કે આ એક નવો યુગ છે, સુવર્ણ અમૃતકાળ છે, અને તેને આપણે વ્યાખ્યાયિત કરીશું. તમામ સરકારો અને રાજાઓએ આવું જ કર્યું છે—વસ્તુઓના નામ તેમની ઈચ્છા મુજબ રાખ્યા છે, જ્યારે ભગવાન રામનો સમય હોય, ત્યારે વસ્તુઓના નામ તેમના પરથી જ રાખવામાં આવશે.
આ બિલ દ્વારા સરકાર ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને નવું નામ અને નવું માળખું આપી રહી છે. સરકારનો દાવો છે કે આ ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આજીવિકા મિશનને વધુ મજબૂત બનાવશે, જ્યારે વિપક્ષ તેને ઐતિહાસિક યોજનાને ખતમ કરવાનું કાવતરું ગણાવી રહ્યો છે.



