આતંકવાદના મુદ્દે વિશ્વ વિભાજિત હોય તે દુ:ખદ, માનવતાના દુશ્મનો એનો જ ફાયદો ઉઠાવે છે: PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વિશ્વ આજે જે સંઘર્ષોનો સામનો કરી રહ્યું છે તેનાથી કોઈને ફાયદો થશે નહીં, દુનિયાએ માનવકેન્દ્રી અભિગમ સાથે આગળ વધવાની જરૂર છે. PM મોદીએ સંસદના અધ્યક્ષ અને G20 દેશોના સંસદીય પ્રતિનિધિમંડળની સમિટમાં આ વાત કહી. વડાપ્રધાને એમ પણ કહ્યું કે વૈશ્વિક સ્તરે એકબીજા પર વિશ્વાસ કરવો, અને તે માટે આપણને નડતા અવરોધોને આપણે દૂર કરવા પડશે. તેમણે કહ્યું કે આ સમય શાંતિ અને ભાઈચારાનો છે અને સાથે મળીને આગળ વધવાનો છે.
PM મોદીએ આગળ કહ્યું હતું કે આજે વિશ્વ સંઘર્ષ અને ટકરાવનો સામનો કરી રહ્યું છે! એક વિભાજિત વિશ્વ માનવતા સામેના મુદ્દાઓ અને પડકારોના ઉકેલનું સમાધાન સુનિશ્ચિત કરી શકે નહિ. આ શાંતિ અને ભાઈચારાનો સમય છે, સાથે આગળ વધવાનો સમય છે! આ સમય દરેકના વિકાસ અને કલ્યાણનો છે! વડા પ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ તરફથી 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર મોટાપાયે હવાઈ હુમલા કર્યા હતા અને તેના જવાબમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) કાર્યવાહી કરી રહી છે.
લગભગ 20 વર્ષ પહેલા સંસદ ભવન પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સીમાપાર આતંકવાદનો સામનો કરી રહ્યું છે, જેમાં હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. વડા પ્રધાને કહ્યું કે આતંકવાદીઓ જાણતા હતા કે આપણી સંસદ ચાલી રહી છે અને તેઓ તેને ખતમ કરવા માગતા હતા પરંતુ આપણા સુરક્ષા દળોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું અને આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી.
તેમણે કહ્યું કે આખી દુનિયા હવે સમજી રહી છે કે આતંકવાદ કેટલો મોટો પડકાર છે. પીએમ મોદીએ કહ્યું, ‘આતંકવાદ માનવતા વિરુદ્ધ છે. વિશ્વની સામે આ સૌથી મોટો પડકાર છે અને તેનો કડકાઈથી સામનો કરવો પડશે. વિશ્વના દેશોએ પરસ્પર વિશ્વાસ રાખવો પડશે અને માનવ-કેન્દ્રિત વિચારસરણી પર આગળ વધવું પડશે. આપણે વિશ્વને એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્યની ભાવનાથી જોવું પડશે! વિશ્વ માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આપણે જેટલી વધુ સહભાગી થઈશું, તેટલી વધુ અસર આપણે સમગ્ર વિશ્વમાં કરીશું!’ તેમ વડા પ્રધાને જણાવ્યું હતું.