જીએસટી (GST)માં ઔર વધુ ઘટાડો થઈ શકેઃ PM મોદીએ આપ્યા મોટા સંકેતો

નવી દિલ્હી: નવરાત્રીના પહેલા અઠવાડિયાથી જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં ઘટાડો કરવામાં આવ્યા પછી હજુ જીએસટીમાં ઘટાડો થઈ શકે એવા ખૂદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેતો આપ્યા છે. જીએસટી કાઉન્સિલે લગભગ 400 જેટલી વસ્તુ પર જીએસટીના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો, જે 22મી સપ્ટેમબરથી અમલી બન્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે જેમ જેમ દેશ આર્થિક રીતે મજબૂત બનતો જશે ત્યાર પછી તબક્કાવાર ટેક્સનું ભારણ પણ ઘટશે. પીએમ મોદીએ કહ્યું હતું કે જીએસટીમાં કરેલા ફેરફારો માળખાકીય સુધારા છે, જે ભારતની વિકાસગાથાને નવી પાંખો આપશે.
આજે વડા પ્રધાન મોદીએ ગ્રેટર નોઈડામાં યુપી ઈન્ટરનેશલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે સંબોધનમાં જણાવ્યું કે આજે દેશ જીએસટી ઉત્સવની ઉજવણી કરી રહ્યો છે, પણ અમે અહીંથી અટકીશું નહીં. 2017માં અમે જીએસટી લાવીને આર્થિક રીતે મજબૂત બનવાનું કામ કર્યું પણ એના પછી આ વર્ષે ફેરફાર કર્યા છે, જેનાથી અર્થતંત્ર વધુ મજબૂત બનશે. આગામી સમયગાળામાં જેમ જેમ આર્થિક મજબૂતાઈ વધશે તેમ તેમ લોકો પરથી કરવેરાનું ભારણ પણ ઓછું થતું જશે. દેશવાસીઓના આશીર્વાદથી GST સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે.
વિશ્વભરની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે એવા ઓપન પ્લેટફોર્મ બનાવ્યા છે, જે બધાને એકસાથે લાવે છે. જેમાં યુપીઆઈ, આધાર, ડિજિલોકરની સેવા અને ONDCનો સમાવેશ થાય છે, જે બધાને માટે નવી તકો પૂરી પાડે છે. તેમનો એક જ મંત્ર છે પ્લેટફોર્મ આપવું અને પ્રગતિ કરવી. વૈશ્વિક ક્ષેત્રે થઈ રહેલી ઉથલપાથલ અને અનિશ્ચતતાઓ વચ્ચે પણ ભારતનો વિકાસદર આકર્ષક છે.
ઉલ્લેખનીય છે કે આઠ વર્ષ પહેલા શરૂ થયેલા GST લાગુ કરવામાં આવ્યો હતો. જેને લઈ છૂટછાટ આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે તાજેતરમાં 400 જેટલી વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. જેનાથી ઘણી રોજિંદી વપરાશની વસ્તુઓ જેવી કે ખાદ્ય ચીજો, ઘરેલું ઉપયોગની વસ્તુઓ અને કેટલીક સેવાઓ પર 28 ટકા અને 18 ટકાના ઉચ્ચ દરોમાંથી ઘટાડીને 12 ટકા કે 5 ટકા કરવામાં આવ્યા છે. આ નિર્ણય નાના વેપારીઓ અને ગ્રાહકોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાયો હતો
2014 પહેલાના ટેક્સની તુલના કરતા તેમણે કહ્યું કે વર્ષ 2014માં 1000 રૂપિયાના શર્ટ પર લગભગ 117 રૂપિયાનો ટેક્સ લાગતો હતો. જ્યારે 2017માં GST લાગુ થયા બાદ તે ટેક્સ ઘટીને 50 રૂપિયા થઈ ગયો હતો. જ્યારે હવે 1000ના શર્ટ પર માત્ર 35 રૂપિયા ચૂકવવા પડે છે.
આ પણ વાંચો…GST CUT: 4 રૂપિયા 45 પૈસાના બિસ્કિટ, 88 પૈસાની પિપરમેન્ટઃ છુટ્ટા પૈસા જશે કોના ગજવામાં?