લવ મેરેજ કરનાર દીકરીની પિતાએ કાઢી અંતિમયાત્રા, આખા ગામમાં ફેરવવામાં આવી નનામી

ગંજામ: આજના સમયમાં લવ મેરેજ સામાન્ય બાબત થઈ ગઈ છે. પરંતુ હજુ પણ ઘણા સમાજના લોકો લવ મેરેજ કરનાર લોકોનો સ્વીકાર કરતા નથી.
ખાસ કરીને લવ મેરેજ કરનાર છોકરીના પરિવારને આ અંગે વધારે મહેણાંટોણા સાંભળવા પડે છે. ત્યારે ઓડિશામાં લવ મેરેજ કરનાર દીકરીના પિતાએ અંતિમ સંસ્કાર કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો શું છે? આવો જાણીએ.
આપણ વાંચો: લવ મેરેજ કરનાર છોકરીના પરિવારને સમાજે નાત બહાર કાઢ્યો, સમાજમાં પાછા ફરવા પરિજનોને કરવું પડ્યું મુંડન
પિતાએ જીવતી દીકરીના કર્યા અંતિમસંસ્કાર
ઓડિશાના ગંજામ જિલ્લાના બલિયાપલ્લી ગામના નિરંજન ગૌડ નામના વ્યક્તિની દીકરીએ અન્ય જાતિના યુવક સાથે લવ મેરેજ કર્યા હતા. જેથી છોકરીનો પરિવાર અને સમાજમાં નારાજગીનો માહોલ સર્જાયો હતો. જેથી નિરંજન ગૌડ અને પરિવારના સભ્યોએ દીકરીને મૃત સમજીને તેનો અંતિમ સંસ્કાર કરવા જેવું વિચિત્ર પગલું ભર્યું હતું.
નિરંજન ગૌડે કેળાના ઝાડ વડે દીકરીનો પ્રતિકાત્મક મૃતદેહ બનાવ્યો હતો. તેને નવી સાડી પહેરાવી હતી અને મૃતદેહની જેમ તૈયાર કરી તેની નનામીને આખા ગામમાં ફેરવી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં લવ મેરેજ એક્ટને લઇને નવો વિવાદ, 32 સમાજોએ આપી આંદોલનની ચીમકી
ગામમાં ઘંડ અને મૃદંગ વગાડવાની સાથોસાથ ‘રામ નામ સત્ય હે’ના ઉચ્ચારણ સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ગામના સ્મશાને લઈ જઈને દીકરીના પ્રતિકાત્મક મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દોઢ મહિના પહેલા ઓડિશામાં જ લવ મેરેજ કરનાર એક છોકરીના પરિવારને સમાજ દ્વારા નાત બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ સમાજમાં પાછા કરવા માટે મુંડન કરાવ્યું હતું. જોકે, આવી ઘટનાઓ પાછળનું કારણ જૂની વિચારધારા છે. કેટલાક સમાજમાં આવા કૃત્યોને ‘શુદ્ધિ ક્રિયા’ તરીકે ઓળખવામાં આવે છે.