વિજય માલ્યા, નીરવ મોદીને ભારત લાવવાની તૈયારી! બ્રિટિશ ટીમે તિહાર જેલની મુલાકાત લીધી...
Top Newsનેશનલ

વિજય માલ્યા, નીરવ મોદીને ભારત લાવવાની તૈયારી! બ્રિટિશ ટીમે તિહાર જેલની મુલાકાત લીધી…

નવી દિલ્હી: ભારતમાં નાણાકીય ગેરરીતીના આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને લલિત મોદી બ્રિટનમાં આશ્રય લઇ રહ્યા છે. તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, ભારત સરકાર તેમને ભારત પરત લાવવા માટે પ્રયત્નો કરી રહી છે.

એવામાં માહિતી છે કે બ્રિટિશ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) ની એક ટીમ તાજેતર દિલ્હી આવી હતી, ટીમે તિહાર જેલની મુલાકાત લીધી હતી. જેને કારણે ચર્ચા છે કે આ ભાગેડુઓને ટૂંક સમયમાં ભારત પરત લાવવામાં આવી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય(MHA) દ્વારા આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, બ્રિટનની CPSની ટીમ સાથે ગૃહ મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતાં. હાલ, યુકેની અદાલતોમાં કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

તાજેતરમાં તિહાર જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ બની હતી. બ્રિટિશ અદાલતોએ ભાગેડુઓની પ્રત્યાર્પણના કેસોની સુનાવણી દરમિયાન ભારતમાં જેલોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે CPSની તિહાર મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

CPSની ટીમે તિહારની જેલ નંબર 4 ની મુલાકાત લીધી હતી, આ જેલમાં પહેલીવાર જેલ ભોગવતા કેદીઓને રાખવામાં આવે છે. ટીમે હાઈ સિક્યોરિટી વોર્ડનું નિરીક્ષણ કર્યું અને ત્યાં હાજર કેદીઓ સાથે વાતચીત પણ કરી.

ભારતીય અધિકારીઓએ આપી ખાતરી:
અહેવાલ મુજબ CPSની ટીમે તિહાર જેલમાં કેદીઓની સ્થિતિ અને જેલ પરિસરની અંદરની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું હતું. અહેવાલ અનુસાર CPS ટીમે તિહાર હેલની પરિસ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

અહેવાલ મુજબ ભારતીય અધિકારીઓએ CPSની ટીમને એવી પણ ખાતરી આપી હતી કે જો જરૂરી જણાય તો તિહાર જેલ સંકુલમાં પ્રત્યાર્પણ કરનારા હાઈ-પ્રોફાઇલ કેદીઓન માટે અલગથી એક “એન્ક્લેવ” પણ બનાવવામાં આવશે. જેથી આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર તેમની ચોક્કસ જરૂરિયાતો પૂરી થઇ શકે અને તેમને કોઈ જોખમ ન રહે.

આ પણ વાંચો…વિજય માલ્યા જેવા ભાગેડુઓને ભારત લાવવા સરળ બનશે! યુકે સરકારે લીધો મોટો નિર્ણય

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button