અરવલ્લીની સાથોસાથ ‘ચા’ની વ્યાખ્યા પણ બદલાઈ: જાણો હવે ‘ચા’ કોને કહેવાશે

Tea Defination: સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યામાં ફેરફાર કર્યો છે. હવે ફક્ત 100 મીટર કે તેનાથી વધારે ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લી તરીકે ઓળખવામાં આવશે. જોકે, અરવલ્લી સિવાય ‘ચા’ની વ્યાખ્યામાં પણ ફેરફાર થયો છે. જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. ફૂડ સેફ્ટિ એન્ટ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ(FSSAI) ‘ચા’ની નવી વ્યાખ્યાને લઈને સ્પષ્તા કરી છે.
હવે ‘ચા’ કોને કહેવાશે?
FSSAIએ ‘ચા’ની નવી પરિભાષા આપી છે. આ પરિભાષા અનુસાર હવેથી માત્ર એને જ ‘ચા’ કહી શકાશે, જે Camellia sinensis એટલે કે ‘ચા’ના છોડમાંથી બનેલી હોય. તેથી Camellia sinensis સિવાય બીજા કોઈ છોડમાંથી બનેલા ઉત્પાદનને ‘ચા’ કહી શકાશે નહીં. આ અંગે FSSAIએ 24 ડિસેમ્બરે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
FSSAIએ જણાવ્યું છે કે, ઘણી કંપનીઓ ‘હર્બલ ટી’, ‘રૂઇબોસ ટી’, ‘ફ્લાવર ટી’ જેવા ઉત્પાદનો ‘ચા’ના નામે વેચે છે. જે ખરેખર ‘ચા’ નથી. કારણ કે તે Camellia sinensisના છોડમાંથી બનતા નથી. તેથી નિયમો પ્રમાણે ‘ચા’ શબ્દ એ જ પીણા માટે વાપરી શકાશે, જે Camellia sinensisમાંથી બનેલું હશે. જેમાં કાંગડા ચા, ગ્રીન ટી, ઇન્સ્ટન્ટ ટી જેવી ‘ચા’નો સમાવેશ થશે.
કોણ નહીં કરી શકે ‘ચા’ શબ્દનો ઉપયોગ
‘ચા’ શબ્દના ઉપયોગ અંગે FSSAIએ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ(FBOs)ને કડક ચેતવણી પણ આપી છે. FSSAIએ FBOsને જણાવ્યું છે કે, Camellia sinensisના છોડ સિવાય બનેલી એટલે કે જડીબુટ્ટી કે ફૂલોમાંથી બનેલા પીણાને ‘ચા’ કહેવું ગેરકાનૂની ગણવામાં આવશે. જો હર્બલ ટી અથવા ગ્રીન ટીનું ‘ચા’ તરીકે બ્રાન્ડિંગ કરવામાં આવ્યું તો તેને ગેરમાર્ગે દોરતી જાહેરાત અને ખોટું લેબલિંગ ગણવામાં આવશે. સાથોસાથ તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006નું ઉલ્લંઘન ગણવામાં આવશે.
FSSAIએ મેન્યુફેક્ચરિંગ, પેકિંગ, માર્કેટિંગ, આયાત, વેચાણ અને ઇ-કોમર્સ સાથે જોડાયેલા દરેક કારોબારીઓને આદેશ આપ્યો છે કે, એવા ઉત્પાદનો માટે ‘ચા’ શબ્દનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ કરવો નહીં. ઓનલાઇન વિક્રેતાઓ તથા ફૂડ બિઝનેસ ઓપરેટર્સ આ નિયમનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે FSSAIએ રાજ્યના અધિકારીઓને પણ આદેશ આપ્યો છે.
બજારમાં ફેલાયેલો ભ્રમ દૂર કરવા લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, FSSAIના નવા નિયમના કારણે હવે ઉત્પાદકોએ હર્બલ ટી, ડિટોક્સ ટી, ફ્લાવર ટી જેવા પીણાનું નામ બદલીને વેચાણ કરવું પડશે. FSSAIના નવા નિયમનો હેતુ ચાને લઈને બજારમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવાનો છે. નવા નિયમથી ગ્રાહકોને ખબર પડશે કે તેમના કપ-રકાબીમાં જે પીણું છે, તે અસલી ચા છે કે પછી હર્બલ ઇન્ફ્યુઝન.
આ પણ વાંચો…અરવલ્લી બચાવો અભિયાન કોના માટે? કોંગ્રેસના શાસનમાં રાજસ્થાનના 31 પર્વતો નષ્ટ થયાનો ખુલાસો



