
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ અઠવાડિયામાં વિક્ષેપને કારણે આવતીકાલે ફરી શરુ થનારા સત્રમાં લોકસભામાં પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે. જેનું કારણ શાસક ગઠબંધન અને વિપક્ષ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના બે મુદ્દે સામસામે આવવાની તૈયારી કરી રહ્યા છે.
અમિત શાહ અને જયશંકર ભાગ લેવાની શક્યતા
ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની આગેવાની હેઠળનું એનડીએ અને વિપક્ષી પક્ષો લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા દરમિયાન તેમના ટોચના નેતાઓને મેદાનમાં ઉતારે તેવી અપેક્ષા છે. લોકસભામાં ૧૬ કલાક સુધી ચાલનારી મેરેથોન ચર્ચામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર ભાગ લે તેવી સંભાવના છે.
લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના અખિલેશન યાદવ અને અન્ય ઘણા સભ્યો સાથે મળીને સરકાર સામે મોરચો સંભાળી શકે છે.
આપણ વાંચો: સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે વિપક્ષનો હોબાળો, બંને ગૃહ કરાયા સ્થગિત
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂરના મુદ્દે 16 કલાક ચર્ચા
સંસદના ચોમાસુ સત્રમાં આવતીકાલે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ૧૬ કલાક લાંબી ચર્ચા શરૂ થશે. આ ચર્ચાનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બપોરે ૧૨ વાગ્યે કરશે. ત્યાર બાદ મંગળવારથી રાજ્યસભામાં ઓપરેશન સિંદૂરના મુદ્દે ૧૬ કલાકની ચર્ચા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ચર્ચામાં હસ્તક્ષેપ કરી શકે છે.
પરમાણુ યુદ્ધને રોકવા માટે મધ્યસ્થી કરવામાં આવી
આ દરમિયાન આક્રમક વિપક્ષ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધને રોકવા માટે મધ્યસ્થી કરી હતી અને તેમને યુદ્ધવિરામ પર સંમત કરાવ્યા હતા. બીજી તરફ ભારતે દાવો કર્યો છે કે પાડોશી દેશના અનેક વાયુસેના મથકોને ભારે નુકસાન થયું હતું અને પાકિસ્તાનની વિનંતી બાદ બંને પક્ષો લશ્કરી કાર્યવાહી રોકવા માટે સહમત થયા હતા.
આપણ વાંચો: સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું…
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર સંસદમાં ચર્ચાની માંગ
સરકાર અને વિપક્ષ વચ્ચેના વિવાદનો એક મુદ્દો એ છે કે વિપક્ષ બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પર સંસદમાં ચર્ચાની માંગ કરી રહ્યું છે. ચોમાસુ સત્રના પહેલા અઠવાડિયાની શરૂઆતમાં વિપક્ષે મુખ્યત્વે આ મુદ્દે જ સંસદની કાર્યવાહીને વિક્ષેપિત કરી હતી.
કારણ કે વિપક્ષે દાવો કર્યો હતો કે આ કવાયતનો હેતું ચૂંટણીવાળા રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને મદદ કરવાનો હતો. જ્યારે ચૂંટણી પંચે કહ્યું હતું કે તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર લાયક લોકો જ મતદાન કરે તેની ખાતરી કરવા પર છે.