નેશનલ

હલવા સેરેમનીથી પેપરલેસ બજેટ સુધી આટલી બદલાઈ છે બજેટ રજૂ કરવાની પેટર્ન…

આજે ભારતના નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે આમ છઠ્ઠી વખત અને પહેલી વખત વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ આ બજેટને લઈને કેટલીક જૂની પરંપરાઓ છે જે દાયકાઓથી ચાલી આવી છે જેમ કે હલવા સેરેમની… જી હા, આ એક જૂની પરંપરા હતી અને બજેટ રજૂ કરવાના થોડા દિવસ પહેલાં આ સેરેમની કરવામાં આવતી હતી. જોકે, આ તો માત્ર થઈ એક હલવા સેરેમનીની વાત… આવી જો બીજી કેટલીય પરંપરાઓ છે જે સમયની સાથે બદલાઈ છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ. તમારી જાણ માટે કે આઝાદ ભારતનું પહેલું બજેટ ભલે 26મી નવેમ્બર, 1947માં રિલીઝ કરવામાં આવ્યું હતું અને દેશના પહેલાં નાણાં પ્રધાન આર. કે. શનમુખમ ચેટ્ટીએ સાંજે પાંચ વાગ્યે રિલીઝ કર્યું હતું. બજેટમાં આજે પણ સરકારની કમાણી અને ખર્ચના લેખા-જોખા કરવામાં આવે છે. જોકે, સમયની સાથે સાથે જ બજેટ રજૂ કરવાની પરંપરાઓમાં પરિવર્તન જોવા મળ્યું છે, આવો જાણીએ આવા જ કેટલાક પરિવર્તનો વિશે…

અહીંથી થઈ ઈન્કમટેક્સની શરૂઆત…

જી હા, આજે તમે અને આપણે બધા બજેટમાં જે સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ ઈન્કમટેક્સ સ્લેબની, બરાબર? તો ચાલો તમને જણાવીએ કે આખરે ઈન્કમટેક્સની શરૂઆત ક્યાંથી થઈ… ભારતમાં બજેટની શરૂઆત 164 વર્ષ પહેલાં થઈ હતી અને રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો હિંદુસ્તાનનું પહેલું બજેટ જેમ્સ વિલ્સને 18મી ફેબ્રુઆરી, 1860માં રજૂ કર્યું હતું. જેમ અવિભાજિત ભારતમાં વાઈસરોય લોર્ડ કેનિંગની કાઉન્સિલમાં ફાઈનાન્સ મેમ્બર હતા. તેમનું બજેટ ખરા અર્થમાં ઐતિહાસિક ગતું. 1858માં ભારતનું શાસન ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાંથી બ્રિટિશ ક્રાઉનના હાથમાં આવ્યું હતું અને આ જ બજેટમાં ઈન્કમ-ટેક્સ એક્ટ પણ લાવવામાં આવ્યો હતો. બ્રિટિશ રાજની આવકમાં કમાણી વધારવા માટે લાવવામાં આવ્યો હતો.

આ એક પગલાંથી બજેટ પહોંચ્યું આમ આદમી સુધી…

1947થી1955 સુધી બજેટ માત્ર અંગ્રેજીમાં જ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ 1955-56માં સરકારે હિંદીમાં પણ બજેટ આપવાનું શરૂ કર્યું અને આ પરિવર્તન લાવવાનો શ્રેય સીડી દેશમુખને આપવામાં આવે છે, જે ભારતના ત્રીજા નાણા પ્રધાન હતા. બજેટને હિંદીમાં પણ રજૂ કરવાને કારણે તે સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યું ત્યારથી લઈને આજ સુધી અંગ્રેજી અને હિંદી એમ બંને ભાષામાં બજેટ રજૂ કરવાની શરૂઆત થઈ.

આ કારણે સાંજે પાંચ વાગ્યે રજૂ કરાતું હતું બજેટ, પણ…

1999 સુધી તો બજેટ સાંજે રજૂ કરવામાં આવતું હતું. જી હા, બરાબર વાંચ્યું તમે. બ્રિટિશ રાજથી આ અનોખી પરંપરા ચાલી આવી હતી. આવું થવાનું મુખ્ય કારણ હતું બ્રિટન ટાઈમ ઝોન… ત્યાં સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું અને એ જ કારણસર ભારતમાં સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવાની પરંપરા હતી. પરંતુ 1999માં અટલ બિહાર વાજપેયીની સરકારે આ પરંપરા બદલી અને ત્યારથી સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાની શરૂઆત થઈ.

પહેલાં ફેબ્રુઆરીમાં આ તારીખે રજૂ કરાતું હતું બજેટ…

અત્યારે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવે છે, પણ હંમેશાંથી આવું નહોતું. બજેટ પહેલાં પણ ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવતું હતું પરંતુ આખર તારીખ એટલે કે 27-28 તારીખના રજૂ કરવામાં આવતું હતું… 2017માં તત્કાલિન નાણા પ્રધાન અરુણ જેટલીએ પહેલી વખત પહેલી ફેબ્રુઆરીના બજેટ રજૂ કર્યું હતું અને બસ ત્યારથી દર વર્ષે આ જ તારીખે બજેટ રજૂ થવા લાગ્યું…

… અને 92 વર્ષ જૂની પરંપરા તૂટી!

જી હા, 2017માં જ એક બીજી પરંપરા પણ બદલાઈ હતી. તત્કાલિન નાણા પ્રધાન અરુણ જેટલીના બજેટમાં એક બીજી ક્રાંતિ એ પણ થઈ હતી કે રેલવે અને કોમન બજેટને મર્જ કરી દેવામાં આવ્યા હતા. આ પહેલાં સુધી રેલવે બજેટ અને કોમન બજેટ બંને અલગ અલગ રજૂ કરવામાં આવતા હતા. 1924માં આની શરૂઆત બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવી હતી. એ સમયે સરકારની કમાણીનો એક મોટો હિસ્સો રેલવેમાંથી આવતો હતો અને રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો રેલવેનું બજેટ કુલ કેન્દ્રીય બજેટના 80 ટકાથી વધુ રહેતું હતું.

ચામડાની બેગથી આધુનિક ટેબ સુધી…

ગયા વર્ષની જેમ જ આશા રાખવામાં આવી રહી હતી આ વર્ષે પણ નિર્મલા સિતારમણ લાલ રંગના વહી ખાતા લઈને સંસદ આવશે. વહી ખાતા લઈને આવવાની પરંપરા છેલ્લાં કેટલાક વર્ષોથી શરૂ થઈ છે અને એની પણ પહેલાંની વાત કરીએ તો એ સમયે ચામડાની બ્રીફકેસમાં બજેટના પેપર્સ લાવવામાં આવતા હતા.

વાત જાણે એમ છે જે બજેટ શબ્દ ફ્રાંસના શબ્દ Bougette બુજે પરથી આવ્યો છે અને બુજેનો અર્થ ચામડાની બેગ એવો થાય છે. 1947થી પહેલાંના બજેટમાં લાલ રંગની બ્રીફકેસમાં પેપર્સ લાવવામાં આવતા હતા. બાદમાં કેટલાક પ્રધાનોએ કાળી કે અલગ અલગ ડિઝાઈનની બ્રીફકેસનો ઉપયોગ કર્યો, પણ બ્રીફકેસ હંમેશા ચામડાની જ રહેતી.

2019માં નાણા પ્રધાન નિર્મલા સિતારમણે આ પરંપરાને બદલી અને તેમણે પહેલી વખત ચામડાની બ્રીફકેસને બદલે લાલ રંગની વહી ખાતામાં બજેટ રજૂ કર્યું હતું.

બે વર્ષ બાદ એટલે કે 2021માં નિર્મલા સિતારમણે હજી આગળ ક્રાંતિ કરી અને તેમણે પેપરલેસ બજેટ રજૂ કર્યું. કોરોનાકાળમાં નાણા પ્રધાન સેંકડો કાગળને બદલે ટેબલેટ લઈને બજેટ રજૂ કર્યું હતું. ત્યારથી નાણાં પ્રધાન સિતારમણ ટેબમાંથી જ બજેટ વાંચે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button