હવે બ્રિટન સાથે દોસ્તીઃ આવતીકાલે ભારતના સંરક્ષણ પ્રધાન બ્રિટન જવા રવાના થશે

નવી દિલ્હીઃ અમેરિકા અને ફ્રાન્સની સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવ્યા પછી યુરોપના મહત્ત્વના દેશ બ્રિટ સાથે ભારત પણ દોસ્તી માટે આગળ વધી રહ્યું છે. આ ભાગીદારી માટે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આવતીકાલે બ્રિટનના ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે દ્વિપક્ષીય ભાગીદારી માટે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ સિવાય 22 વર્ષમાં પહેલી વખત ભારતના સંરક્ષણ પ્રધાન બ્રિટનની મુલાકાતે જઈ રહ્યા છે. નોંધનીય છે કે જૂન 2022માં સિંહની બ્રિટનની મુલાકાત પ્રોટોકોલના કારણોસર ભારતીય પક્ષ દ્વારા રદ કરવામાં આવી હતી.
રાજનાથ સિંહ 3 દિવસની મુલાકાત દરમિયાન યુકેના સંરક્ષણ સચિવ ગ્રાન્ટ શાપ્સ સાથે વિસ્તૃત વાતચીત કરશે. સિંહ ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાશે. લંડનમાં તેઓ મહાત્મા ગાંધી અને ડૉ. બી. આર. આંબેડકર મેમોરિયલની પણ મુલાકાત લઈ શકે છે.
રાજનાથ સિંહ સાથે સંરક્ષણ મંત્રાલયનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે, જેમાં ડીઆરડીઓ, સર્વિસ હેડક્વાર્ટર, ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ અને ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ પ્રોડક્શનના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળવાના છે અને વિદેશ, કોમનવેલ્થ અને વિકાસ બાબતોના સચિવ ડેવિડ કેમરૂન સાથે મુલાકાત કરશે. તેઓ યુકે સંરક્ષણ ઉદ્યોગના સીઇઓ અને ઉદ્યોગપતિઓ સાથે પણ વાતચીત કરશે અને ત્યાંના ભારતીય સમુદાયને પણ મળશે.
નોંધનીય છે કે 22 વર્ષમાં ભારતના સંરક્ષણ પ્રધાનની બ્રિટનની આ પહેલી મુલાકાત હશે. અગાઉની ભાજપના નેતૃત્વની સરકારમાં તત્કાલિન સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ 22 જાન્યુઆરી 2002ના રોજ લંડન ગયા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા શક્તિશાળી રાષ્ટ્રો સાથે ભારતે વ્યૂહાત્મક ભાગીદારી વધાર્યા પછી હવે બ્રિટન સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારીને પડોશી-દુશ્મન દેશોની ઊંઘ હરામ થઈ શકે છે.