મિત્રની અંતિમ ઈચ્છા પૂરી કરવા મિત્રએ તેની અંતિમયાત્રામાં કર્યો ડાન્સ…

Friendship Day viral video: કોઈપણ વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન મિત્ર બનાવ્યા વગર રહી શકતો નથી. મિત્રો જીવનની સફરમાં સુખ-દુ:ખના સાથી હોય છે. મિત્રતાની અનોખી મિસાલ રજૂ કરતો એક કિસ્સો મધ્ય પ્રદેશથી સામે આવ્યો છે. એક મિત્રએ બીજા મિત્રની અંતિમયાત્રામાં ડાન્સ કર્યો છે. જેની પાછળનું કારણ મિત્રએ આપેલું વચન છે.
અંબાલાલે પૂરૂ કર્યું સોહનલાલને આપેલું વચન
મંદસૌર જિલ્લામાં અંબાલાલ પ્રજાપત અને સોહનલાલ જૈન નામના બે મિત્રો રહેતા હતા. તેઓની દોસ્તી વર્ષો જૂની હતી. જોકે, વધતી ઉંમર સાથે સોહનલાલ જૈન કેન્સરગ્રસ્ત થયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 2021માં સોહનલાલે મિત્ર અંબાલાલને પત્ર લખ્યો હતો અને પોતાની અંતિમયાત્રાને લઈને એક ઈચ્છા વ્યક્ત કરી હતી. સોહનલાલે પત્રમાં લખ્યું હતું કે, “કોઈ રોકકળ નહી, કોઈ મૌન નહી, માત્ર ઉત્સવ. જ્યારે હું દુનિયામાં નહીં રહું, ત્યારે તું મારી અંતિમયાત્રામાં આવજે અને ઢોલના તાલે વાજતે-ગાજતે મને વિદાય આપજે. મને દુખની સાથે નહી, પરંતુ આનંદ સાથે વિદાય આપજે.”
તાજેતરમાં કેન્સરગ્રસ્ત સોહનલાલનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે મિત્ર સોહનલાલની ઈચ્છાને માન આપીને તેની અંતિમયાત્રામાં અંબાલાલ પ્રજાપત હાજર રહ્યો હતો. જ્યારે સોહનલાલ જૈનની અંતિમયાત્રા ગામમાં નીકળી, ત્યારે તે ઢોલના તાલે નાચવા માંડ્યો હતો. આ દૃશ્ય જોઈને લોકો ભાવુક થઈ ગયો હતો. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. મીડિયા સાથે વાત કરતા અંબાલાલે જણાવ્યું હતું કે, “મેં મારા મિત્રને વચન આપ્યું હતું કે, તેની અંતિમયાત્રામાં નાચીશ અને મેં તે કર્યું પણ. તે એક દોસ્તથી પણ વધારે હતો, તે મારા પડછાયા સમાન હતો.”
સ્મશાન યાત્રામાં હાજર પંડિત પણ દોસ્તીનું આ ઉદાહરણ જોઈને અભિભૂત થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “એક મિત્રએ પૂરી નિષ્ઠાથી પોતાનું વચન નિભાવ્યું છે, આવી દોસ્તી અમર રહે.” સોહનલાલને આપેલા વચનને લઈને મિત્ર અંબાલાલના સમર્પણને જોઈને સોહનલાલનો પરિવાર પણ ભાવુક થઈ ગયો હતો.