ટોપ ન્યૂઝનેશનલ

Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, સીએમ સહિત મંત્રીઓના ઘર પર હુમલા, ઇમ્ફાલમાં કફર્યું

ઇમ્ફાલ : મણિપુરમાં ફરી એકવાર હિંસા(Manipur Violence)વધી રહી છે. જેમાં ઉશ્કેરાયાલા ટોળાએ મુખ્યમંત્રી એન. બિરેનસિંહના ખાનગી નિવાસ પર હુમલો કર્યો. જો કે મુખ્યમંત્રી હુમલાના સમયે ઓફિસમાં હતા અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ હુમલા બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

વિરોધ હિંસક બન્યો

આ ઉપરાંત સરકારે વધતી હિંસાને ડામવા માટે ઇમ્ફાલમાં કર્ફ્યુ લગાવ્યો છે. ઇમ્ફાલમાં ત્રણ લોકોની હત્યા બાદ ફાટી નીકળેલા વિરોધને જોતા છ જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઉશ્કેરાયાલા ટોળાએ ઇમ્ફાલમાં બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના ઘરો પર હુમલો કર્યા હતા ત્યારબાદ વિરોધ હિંસક બની રહ્યો છે.

મળતી માહિતી મુજબ, ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લાનફેલે સંકેતેલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સપમ રંજનના નિવાસસ્થાન પર પણ ટોળાએ હુમલો કર્યો હતો. જ્યારે ટોળાંએ ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રી એલ. સુસિન્દ્રો સિંહના ઘરને પણ નિશાન બનાવ્યું હતું.

24 કલાકમાં દોષિતોની ધરપકડની માંગ

મુખ્યમંત્રી એન. બિરેન સિંહના જમાઈ અને ભાજપ ધારાસભ્ય આરકે ઈમોના ઘરની બહાર પણ લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન વિરોધીઓએ આ હત્યાઓ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ 24 કલાકમાં દોષિતોની ધરપકડ કરવાની માંગ કરી છે.

આ ઉપરાંત વિરોધીઓએ કેશમથોંગ મતવિસ્તારના તિદ્દિમ રોડ સ્થિત અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંત સિંહના ઘરની બહાર પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિરોધીઓએ ધારાસભ્યની માલિકીના સ્થાનિક અખબારની ઓફિસ પર પણ હુમલો કર્યો હતો.

ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ મળ્યા

ઉલ્લેખનીય છે કે, જીરીબામ જિલ્લામાંથી ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ શુક્રવારે રાત્રે મણિપુર-આસામ સરહદ પર જીરી અને બરાક નદીઓના સંગમ નજીકથી મળી આવ્યા હતા. આમાં ગઈકાલે રાત્રે આસામના સિલચરમાં એક મહિલા અને બે બાળકોના અજાણ્યા મૃતદેહો લાવવામાં આવ્યા હતા. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. ઓળખ માટે ફોટોગ્રાફ્સ એકત્ર કરવામાં આવ્યા છે.

Also Read – મણિપુરમાં 2 મંત્રી અને 3 ધારાસભ્યોના ઘર પર હુમલો; ઇન્ટરનેટ સહિત સેવા સ્થગિત

દરમિયાન, પોલીસે જણાવ્યું હતું કે બિષ્ણુપુર જિલ્લાના ઇરેંગબામ મેનિંગ વિસ્તારમાં સુરક્ષા દળો સાથે શંકાસ્પદ ઉગ્રવાદીઓ સાથે અથડામણ થઇ હતી. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

જીરીબામ જિલ્લામાં AFSPA ફરીથી લાગુ

14 નવેમ્બરના રોજ, ગૃહ મંત્રાલયે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સેકમાઇ અને લમસાંગ હેઠળના વિસ્તારોમાં, ઇમ્ફાલ પૂર્વમાં લામલાઇ, બિષ્ણુપુરમાં મોઇરાંગ, કાંગપોકપીમાં લિમાખોંગ અને જીરીબામ જિલ્લામાં AFSPA ફરીથી લાગુ કર્યો છે. જ્યારે મણિપુર સરકારે રાજ્યના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારોમાં આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA)ની સમીક્ષા કરવા અને તેને દૂર કરવા કેન્દ્રને વિનંતી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button