શ્રાવણના પહેલા સોમવારે ગંગામાં ડૂબી જતા ચાર યુવકોના મોત, મોતનું કારણ બન્યુ…
પટનાઃ બિહારના ભોજપુર જિલ્લાના આરામાં ગંગા દશેરાના અવસરે ગંગામાં સ્નાન કરવા ગયેલા ચાર યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. મહિતી મુજબ ચારેય યુવકો સ્નાન માટે બનાવેલા ઘાટથી લગભગ 200 મીટર દૂર ગંગા નદીમાં અંદર સ્નાન કરી રહ્યા હતા. દરમિયાન એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થતા તેને બચાવવાનો પ્રયાસ કરતાં અન્ય ત્રણ યુવકો પણ ડૂબી ગયા હતા. આ ઘટના જિલ્લાના બહોરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવપુર ગંગા ઘાટ પર બની હતી.
સેલ્ફી લેતા ઊંડા પાણીમાં ગરકાવ થયો
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગંગા દશેરાના અવસર પર તમામ યુવકો બહોરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુર ગંગા ઘાટ પર સ્નાન કરવા ગયા હતા. આ દરમિયાન એક યુવક પોતાના મોબાઈલથી સેલ્ફી લેવા ગયો અને નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. તેને ડુબતા જોઈને તેના અન્ય ત્રણ મિત્રો પણ તેને બચાવવા પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન એક પછી એક બધા ડૂબી ગયા હતા. લગભગ 12 કલાકની મહેનત બાદ SDRF ટીમે ચારેયના મૃતદેહ શોધી બહાર કાઢ્યા હતા. અને તમામ મૃતદેહોને આરા સદર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ પણ ઘણા કેસમાં સેલ્ફી કે વીડિયો લેવા જતા મોતને ભેટ્યાની ઘટી છે, પરંતુ યુવાનો કે પુખ્ત વયનાઓમાં આ ક્રેઝ જતો નથી.
ઘટના સ્થળે એસડીપી પહોંચેલા
આ ઘટના અંગે જગદીશપુર સબ ડિવિઝનના એસડીપીઓએ જણાવ્યું હતુ કે કે, ગંગા નદીમાં સ્નાન કરતી વખતે સેલ્ફી લેતી વખતે એક યુવક ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ તેના અન્ય ત્રણ મિત્રો તેને બચાવવા ગયા હતા અને તે દરમિયાન ચારેય ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. SDRF અને સ્થાનિક લોકોની મદદથી પાણીમાં ડૂબી ગયેલા ચારેય મૃત યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
સાંસદ પણ હોસ્પિટલ પહોંચ્યા
આ દરમિયાન સાંસદ સુદામા પ્રસાદ પણ હોસ્પિટલ પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમણે જિલ્લા વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો જેમાં ગંગા દશેરા પર આટલો મોટો કાર્યક્રમ યોજવાનો હતો. અગાઉથી માહિતી મળી હતી કે ગંગામાં ભીડ થવાની છે. તેમ છતાં બેરીકેડીંગ કેમ ન કરવામાં આવ્યું?