રાજસ્થાનના ડીગમાં તરુણી પર ચાર કિશોરનો સામૂહિક બળાત્કાર
જયપુર : રાજસ્થાનના ડીગમાં અજાણ્યા શખ્સો દ્વારા એક સગીરાનું અપહરણ કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ચારેય નરાધમો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ કાર્યવાહી આરંભી દેવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા શખ્સો કિશોર વયના અને સગીરાના પાડોશીઓ હોવાનું જાણવા મળે છે. ચારેય નરાધમોએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી શહેરના એકાંત સ્થળે લઇ જઇ ગેંગરેપ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સગીરા ટિફિન આપીને પાછી આવી રહી હતી ત્યારે આરોપીઓ તેને એક અવાવરું મકાનમાં લઇ ગયા હતા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં આરોપીઓ તેણીને ત્યાં છોડીને ભાગી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ સગીરાના પિતા શહેરમાં ટિફિન સેન્ટર અને ઇંડાની દુકાન ચલાવે છે.
સગીરાએ ઘરે આવ્યા બાદ તેના પિતાને તેની સાથે બનેલા બનાવ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ શુક્રવારે સાંજે ચારેય વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સયુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. પહરી સર્કલ અધિકારી ગિરરાજ મીનાએ જણાવ્યું હતું કે, શનિવારે તેણીને તબીબી પરીક્ષણ માટે લઇ જવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમામ આરોપીઓ ફરાર છે અને તમામને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.