રાજકોટ અગ્નિકાંડ: ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલવા ચાર તપાસ એજન્સીઓ મેદાને

રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં 28 નિર્દોષ લોકોના મોતથી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગના કારણે સરકારી તંત્રની પોલ ખુલી ગઈ છે ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ ચોંકી ઉઠેલી રાજ્ય સરકારે બીજી વખત આવી દુર્ઘટના ન સર્જાય તે માટે અને અગ્નિકાંડમાં કયાં કયા અધિકારીઓની સંડોવણી છે તે સહિતની માહિતીઓ મેળવવા માટે અલગ અલગ ચાર એજન્સીઓને તપાસ માટે મેદાનમાં ઉતારી છે.
હાઈકોર્ટના આકરા વલણ બાદ રાજ્ય સરકારે બેદરકાર અને ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલવા ચાર તપાસ એજન્સી SIT, સ્થાનિક પોલીસ ટીમ, સીઆઈડી ક્રાઈમ અને એસીબીએ તપાસ શરૂ કરી છે. સરકારી બાબુઓની બેદરકારી અને ભ્રષ્ટ નીતિને કારણે જ ગેરકાયદેસર ધમધમતા ગેમ ઝોનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજી બાજુ આ અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે પીઆઈએલ દાખલ કરી રાજ્ય સરકારની કામગીરી સામે નારાજગી વ્યકત કરી હતી.
અગ્નિકાંડની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. જે સીટ દ્વારા તપાસ પૂર્ણ કરી તમામ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ સ્થાનિક પોલીસ દ્વારા અલગથી સીટની રચના કરી ગુનાના કામની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ અગ્નિકાંડમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો રોલ છે કે નહીં તેની તપાસ માટે સીઆઈડી ક્રાઈમને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની ગેરકાયદેસર મિલકત અંગે એન્ટીકરપ્શન બ્યુરોને તપાસ સોંપવામાં આવી છે.
એક જ દુર્ઘટના માટે એક સાથે ચાર ચાર એજન્સી અગ્નિકાંડની તપાસ ચલાવી રહી છે ત્યારે રાજકોટ શહેરના ભ્રષ્ટ અને બેજવાબદાર સરકારી બાબુઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. હજુ આ તપાસ જેમ જેમ આગળ ચાલશે તેમ અનેક અધિકારીઓના પગ નીચે રેલો આવે તેવા સંકેતો જોવા મળી રહ્યાં છે.