રાજસ્થાનના દૌસામાં બસ રેલવે ક્રોસિંગની દીવાલ તોડી ખીણમાં પડી, ચારના મોત, 27 ઘાયલ
જયપુર: દૌસા જિલ્લામાં કલેક્ટર કચેરીથી થોડે દૂર એક મોટો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર જઈ રહેલી એક સ્લીપર કોચ બસ બેકાબૂ થઈ ગઈ અને રેલવે ટ્રેક પર ચડી ગઈ અને ત્યાંથી લગભગ 40 ફૂટની ઊંચાઈથી ખીણમાં પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બસમાં કુલ 31 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 27 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી સાત મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના કારણે તેમને જયપુર રીફર કરવામાં આવ્યા છે.
આ અકસ્માત રાત્રે 2.15 કલાકે થયો હતો. રાત્રિના 2.15ના સમયે એક ખાનગી કોચ બસ દૌસા કલેક્ટર કચેરીથી 300 મીટર દૂર હાઈવે 21 પર બનેલી આરોબીની દિવાલ તોડીને લગભગ 2.15 વાગ્યે રેલવે ટ્રેક પર ચડી ગઈ હતી અને ત્યાંથી ખીણમાં પડી હતી. અકસ્માતની માહિતી મળતા જ દૌસા પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ ઉપરાંત દીવાલ તોડીને બસ ખીણમાં પડી હોવાના કારણે રાહત કાર્ય પહોચાડતા પણ સમય લાગતો હતો. કલાકોની જહેમત બાદ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી શકાયા હતા.
આ ગમખ્વાર અકસ્માતની માહિતી મળતાં જ કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે રેલવે અધિકારીઓ સાથે વાત કરી. દિલ્હી-જયપુર રેલ રૂટ પણ બંધ કરી દીધો હતો. એએસપીએ ઘટનાસ્થળે પહોંચીને મૃતકોને મોર્ચરીમાં ખસેડ્યા હતા. નોંધનીય છે કે આ બસ હરિદ્વારથી ઉદયપુર જઈ રહી હતી. બસમાં સવાર મોટાભાગના લોકો પોતાના પ્રિયજનોની અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા.