પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી: દિલ્હી AIIMSમાં દાખલ

નવી દિલ્હી: દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત ફરી નાદુરસ્ત થતાં તેમને આજે નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે તેઓ અચાનક બેભાન થઈ ગયા હોવાની ઘટનાઓ સામે આવતા ડોક્ટરોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રહેવાની સલાહ આપી હતી. હાલ ડોક્ટરોની એક વિશેષ ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 10 જાન્યુઆરીના જગદીપ ધનખડ જ્યારે વોશરૂમ જઈ રહ્યા હતા, ત્યારે બેભાન થઈને પડી ગયા હતા. સોમવારે જ્યારે તેઓ નિયમિત તપાસ માટે AIIMS પહોંચ્યા ત્યારે તેમની અગાઉની સ્થિતિને ગંભીરતાથી લઈને ડોક્ટરોએ તેમને ઘરે જવાને બદલે એડમિટ કરી લીધા હતા. હાલમાં તેમની સ્થિતિ જાણવા માટે MRI સહિતના અન્ય જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે જગદીપ ધનખડને અગાઉ પણ અનેકવાર જાહેર જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ઉપરાષ્ટ્રપતિના હોદ્દા પર હતા ત્યારે પણ તેઓ કચ્છના રણ, ઉત્તરાખંડ, કેરળ અને દિલ્હીમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં અચાનક અસ્વસ્થ થઈ ગયા હતા અને બેભાન થઈ જવાની ઘટનાઓ બની હતી. વારંવાર લથડતી તબિયત તેમના માટે લાંબા સમયથી ચિંતાનો વિષય રહી છે.
જગદીપ ધનખડની નાદુરસ્ત તબિયતને કારણે જ તેમણે ગત વર્ષે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલા પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હવે તેમની પ્રાથમિકતા પોતાની તબિયત સુધારવાની છે અને તેઓ તબીબી સલાહનું ગંભીરતાથી પાલન કરવા માંગે છે. બંધારણની કલમ 67(એ) હેઠળ તેમણે સ્વેચ્છાએ આ જવાબદારી છોડી દીધી હતી જેથી તેઓ સંપૂર્ણ સમય આરામ અને સારવાર લઈ શકે.
આપણ વાંચો: અમેરિકાએ ઝડપેલી રશિયન ટેન્કરને હિમાચલનો રક્ષિત ચલાવતો હતો, પરિવારે પીએમ મોદીને પરત લાવવા અપીલ કરી



