પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનાં પત્ની સુદેશ ધનખડને AIIMSમાં દાખલ

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના પત્ની સુદેશ ધનખડને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુદેશ ધનખડ આજે રસોડામાંથી પડી ગયા હતા, જેના કારણે તેમના પીઠના ભાગે ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત સુદેશ ધનખડને તાત્કાલિક ઇમરજન્સી સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં ડોક્ટરો દ્વારા તેમની તપાસ અને જરૂરી સારવાર શરૂ કરવામાં આવી છે. જુલાઈમાં ઉપરાષ્ટ્રપતિપદ છોડ્યા બાદ ધનખડ પરિવાર હાલમાં છત્તરપુર સ્થિત એક ફાર્મહાઉસમાં રહે છે.
જગદીપ ધનખડ છેલ્લા ઘણા મહિનાઓથી સતત રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તેમણે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે, તેમણે સત્તાવાર પત્રમાં ‘ખરાબ સ્વાસ્થ્ય’નું કારણ જણાવ્યું હતું, પરંતુ તેમના રાજીનામાએ મોટો વિવાદ ઊભો થયો હતો. સૂત્રો દ્વારા એવું પણ ચર્ચાયું હતું કે આ રાજીનામાને કેશકાંડમાં ફસાયેલા અલાહાબાદ હાઈ કોર્ટના જજ યશવંત વર્મા વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવ સાથે જોડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખડ ક્યાં છે? કપિલ સિબ્બલે ઉઠાવ્યા ગંભીર સવાલો…
જગદીપ ધનખડના અચાનક રાજીનામાને વિપક્ષે એક મોટો મુદ્દો પણ બનાવ્યો હતો. વિપક્ષે કેન્દ્ર સરકારને તેમને યોગ્ય વિદાય (Farewell) આપવા માટે અપીલ કરી હતી સાથે જ તેમના લાંબા સમયની ‘ચૂપકીદી’ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જોકે, આ વિવાદ વચ્ચે સપ્ટેમ્બરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં એનડીએ (NDA)ના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન વિજેતા બન્યા હતા. બાદમાં જગદીપ ધનખડે પણ સી. પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી.



