કૈલાસ માનસરોવર યાત્રા અધૂરી છોડીને પૂર્વ કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પરત ફર્યાં, જાણો કારણ?

પિથોરાગઢઃ કૈલાસ માનસરોવર યાત્રા શરુ થઈ ચૂકી છે 2019 બાદ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું નહોતું, જ્યારે આ વર્ષે ફરી એક વખત કૈલાસ માન સરોવરની યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ભારતનું પહેલું જૂથે માનસરોવર માટે પ્રયાણ કર્યું હતું. આ યાત્રામાં ભૂતપૂર્વ કેન્દ્રમાં રાજ્યકક્ષાનાં મંત્રી અને દિલ્હીનાં ભાજપ સાંસદ મીનાક્ષી લેખી સહભાગી થયા હતા, પરંતુ યાત્રા વખતે ઈજાગ્રસ્ત થતા અધવચ્ચે પરત ફરવું પડ્યું હતું.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીનાક્ષી લેખી કૈલાસ માનસરોવર યાત્રાના બીજા જૂથના 48 સભ્ય સાથે 8 જુલાઈએ દિલ્હીથી રવાના થયા હતા. 14 જુલાઈએ લિપુલેખ પાસ દ્વારા તિબેટ પહોંચ્યા બાદ શનિવારે દાર્ચિન ખાતે પરિક્રમા દરમિયાન તેઓ ઘોડા પરથી પડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં તેમની કમરમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ તેમની યાત્રા રોકી દેવાઈ, અને તેમને ભારત પરત લાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા માટે આવ્યા સારા સમાચાર; વિદેશ મંત્રાલયે આપી મોટી અપડેટ
પ્રશાસનના જણાવ્યા મુજબ, મીનાક્ષી લેખીને તિબેટના નાભીઢાંગથી હેલિકોપ્ટર દ્વારા દેહરાદૂન લાવવામાં આવશે. તકલાકોટથી દાર્ચિનનું અંતર 102 કિ.મી. છે, અને દાર્ચિન યાત્રાનું બીજું મુખ્ય પડાવ છે. પિથોરાગઢ પ્રશાસને તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. હજુ સુધી તેમની સ્વાસ્થ્યની સ્થિતિ અંગે વધુ માહિતી મળી નથી.
ઉલ્લેખનીય છે કે કૈલાસ માનસરોવર યાત્રા હિન્દુ, જૈન, બૌદ્ધ અને બોન ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર ગણાય છે. હિન્દુઓ માટે આ સ્થળ ભગવાન શિવનું નિવાસસ્થાન છે. આ યાત્રા દરમિયાન ઊંચાઈવાળા પ્રદેશો અને જોખમી ભૂપ્રદેશમાંથી પસાર થવું પડે છે, જેમાં ઘોડા કે યાકનો ઉપયોગ થાય છે.