પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે. અટલ બિહારીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 83 વર્ષની વયે અવસાન થયું હતું. આ નિમિત્તે શુક્રવારે તેમની સમાધિ ‘સદૈવ અટલ’ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજપેયીની સમાધિ પર આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમ અને પ્રાર્થનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે ભાગ લીધો હતો અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અટલજીની રાજકીય દૂરંદેશી અને દેશભક્તિ હંમેશા લોકોને પ્રેરિત કરતી હતી. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના વિરોધીઓ પણ તેમના પ્રશંસક હતા. અટલ માત્ર એક કુશળ રાજકારણી જ નહોતા પરંતુ તેઓ એક અદ્ભુત કવિ અને લેખક પણ હતા. અટલજીની ઘણી કવિતાઓ આજે પણ ખૂબ જ પ્રાસંગિક છે. અટલજી તેમની રાજકીય પ્રતિબદ્ધતા માટે લોકોમાં જાણીતા હતા. અટલ બિહારીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. વાજપેયી પોતાનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કરનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતા. તેઓ 1996, 1998 અને ત્રીજી વખત 1999 થી 2004 સુધી પીએમ પદ સંભાળ્યા હતા.
તેઓ ચાર દાયકા સુધી રાજનીતિમાં સક્રિય રહ્યા હતા. તેઓ લોકસભામાં 9 વખત અને રાજ્યસભામાં બે વખત ચૂંટાયા હતા.
તેમના કાર્યકાળ દરમિયાન પોખરણ અણુ પરીક્ષણે વિશ્વને ચોંકાવી દીધું હતું. તેમની નેશનલ હાઇવે અને સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના આજે પણ લોકો યાદ કરે છે.