‘ભારત અને પાકિસ્તાને ભવિષ્ય વિષે વિચારવું જોઈએ….’, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન
ઇસ્લામાબાદ: ભારતના વિદેશ પ્રધાન તાજેતરમાં SCO સમિટ માટે પાકિસ્તાન (S Jaishankar in Pakistan) ગયા હતાં, આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પહેલા પગલાં તરીકે જોવામાં આવી રહી છે. એવામાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે (Nawaz Sharif) એક નિવેદનમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાને ભૂતકાળને ભૂલીને ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. તેમણે કહ્યું એસ જયશંકરની ઈસ્લામાબાદની મુલાકાત ખૂબ જ સારી શરૂઆત કહી શકાય, બંને દેશોએ હવે આગળ વધવું જોઈએ.
નવાઝ શરીફે પત્રકારોને સંબોધતા કહ્યું કે વાતચીત આમ જ આગળ વધે છે, વાતચીત અટકવી ન જોઈએ. જો વડા પ્રધાન મોદી પોતે આવ્યા હોત તો સારું હતું. શરીફે કહ્યું કે અમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ.
શરીફે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ‘આપણે 75 વર્ષ ગુમાવ્યા છે, હવે આપણે આગામી 75 વર્ષ વિશે વિચારવું જોઈએ.’
નવાઝ શરીફે કહ્યું કે મેં સંબંધો સુધારવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ વારંવાર સંબંધો બગડતા ગયા. આપણે પાડોશી છીએ અને આપણે આપણા પડોશીઓને બદલી ન શકીએ. ન તો પાકિસ્તાન બદલી શકાય કે ન ભારત. બંને દેશોએ સારા પાડોશી તરીકે રહેવું જોઈએ. આપણે ભૂતકાળમાં ન જવું જોઈએ, પરંતુ ભવિષ્ય તરફ જોવું જોઈએ.
તેમણે કહ્યું કે બંને પક્ષે ફરિયાદો છે, આપણે ભૂતકાળને ભૂલી જવું જોઈએ. આપણે ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. હું માનું છું કે ભારત, પાકિસ્તાન અને પાડોશી દેશોએ સમાન રીતે વર્તન કરવું જોઈએ. નવાઝ શરીફે કહ્યું કે આપણે સાથે બેસીને દરેક મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ.
જ્યારે તેમને કલમ 370 અને કાશ્મીર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે વાજપેયીની લાહોર મુલાકાત આજે પણ પ્રેમથી યાદ કરવામાં આવે છે. તેમનું ભાષણ ઘણું સારું હતું. તેણે કહ્યું કે કેટલીકવાર તે જૂની યાદોને તાજી કરવા માટે તેમના પાકિસ્તાન પ્રવાસ અને ભાષણના યુટ્યુબ વીડિયો જુએ છે.
વડા પ્રધાન મોદીએ વર્ષ 2015માં અચાનક લાહોરની મુલાકાત લીધી હતી. આ અંગે તેમણે કહ્યું કે મોદીની મુલાકાત એકદમ સરપ્રાઈઝ હતી. તેણે કાબુલથી ફોન કર્યો અને મને શુભેચ્છા પાઠવી. નવાઝ શરીફે કહ્યું કે તેઓ મારા ઘરે આવ્યા, મારી માતા અને પત્નીને પણ મળ્યા.
Also Read –