મૃત જાહેર કરાયેલા પૂર્વ નેવી કર્મચારીની 19 વર્ષ બાદ હત્યા કેસમાં ધરપકડ
દિલ્હી પોલીસે 19 વર્ષ જુના મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો હતો. 19 વર્ષ જુના કેસમાં ભાગેડુ આરોપી ધરપકડ કરવામાં આવી છે, ચોંકાવનારી બાબતએ છે કે આરોપી પૂર્વ નેવી કર્મચારી છે જેને અગાઉ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા ઘણા સમયથી પોતાની ઓળખ બદલીને દિલ્હીમાં રહેતો હતો. આરોપી પર હત્યા ઉપરાંત ચોરીનો પણ આરોપ છે.
19 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2004માં દિલ્હી પોલીસે એક વ્યક્તિના મોતની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જયારે બીજા આરોપીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હવે મૃત જાહેર થયેલો આરોપી પોલીસને જીવતો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીએ પોતાને મૃત જાહેર કરીને મોટું ષડયંત્ર રચ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીનું નામ બલેશ કુમાર છે જે હરિયાણાના સોનીપતનો રહેવાસી છે. 2004માં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે બવાનામાં હત્યા અને તિલક માર્ગ પર થયેલી ચોરીનો આરોપી બલેશ દિલ્હીના નજફગઢ વિસ્તારમાં અમન સિંહ નામથી રહે છે. આ માહિતીના આધારે પોલીસે છટકું ગોઠવીને નજફગઢમાંથી બલેશ કુમારની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી બલેશ કુમારે જણાવ્યું કે 2004માં દારૂના નશામાં તેણે તેના ભાઈ સુંદરલાલ સાથે મળીને રાજેશ નામના વ્યક્તિની હત્યા કરી લાશને બવાના વિસ્તારમાં ફેંકી દીધી હતી. આ હત્યા કેસમાં બલેશના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બલેશ પકડાયો ન હતો.
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન બાલેશે ખુલાસો કર્યો હતો કે તેણે જોધપુરમાં તેની ટ્રકને આગ લગાવી હતી અને આગમાં બે લોકોના મોત થયા હતા, જેમાંથી એક બલેશ કુમાર જાહેર કરવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બલેશ કુમારની પત્નીને તેના વીમાના લાભો પણ મળ્યા હતા.
તપાસમાં એ પણ જાણવામાં આવ્યું છે કે બલેશે અમન સિંહ તરીકે તેની નવી ઓળખ બનાવી, તેણે બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ તૈયાર કરીને બેંક ઓફ ઇન્ડિયામાં પોતાનું બેંક ખાતું પણ ખોલાવ્યું છે. હાલ પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.