કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પા પોક્સો કેસમાં સીઆઈડી સમક્ષ હાજર થયા
બેંગલૂરુ: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પા સોમવારે તેમની વિરુદ્ધ નોંધાવવામાં આવેલા પોક્સો હેઠળના કેસની પૂછપરછના ભાગરૂપે ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) સમક્ષ હાજર રહ્યા હતા.
કર્ણાટકની હાઈ કોર્ટે શુક્રવારે ભાજપના પીઢ નેતા વિરુદ્ધ 14 માર્ચે નોંધાવવામાં આવેલા આ કેસમાં તેમની ધરપકડ કરવા પર રોક લગાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ યેદિયુરપ્પા સામે 17 વર્ષની એક બાળાની માતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ ચાલુ વર્ષની બીજી ફેબુ્રઆરીએ ડોલર્સ કોલોની ખાતેના તેમના નિવાસસ્થાને વિનયભંગ કરવામાં આવ્યો હોવાથી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રેન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ, 2012 અને ભારતીય દંડ સંહિતાની કલમ 354એ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કોર્ટે Karnatakaના પૂર્વ મુખ્યપ્રધાન B.S. Yediyurappa પર POCSO હેઠળ ધરપકડનું વોરંટ કર્યું જારી
યેદિયુરપ્પાએ તેમની સામેના આરોપો નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમની વિરુદ્ધ કાવતરું કરી રહેલા લોકોને જનતા પાઠ ભણાવશે.
ભોગ બનેલી સગીરાના ભાઈએ ગયા અઠવાડિયે કોર્ટમાં ધા નાખીને એવો આરોપ કર્યો હતો કે ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં આ કેસની તપાસમાં કોઈ પ્રગતિ જોવા મળી નથી. તેમણે યેદિયુરપ્પાની ધરપકડ કરવામાં આવે અને પૂછપરછ કરવામાં આવે એવી માગણી કરી હતી.
આ પણ વાંચો: બ્રિજભૂષણ, માલવિયા, યેદિયુરપ્પા: ભાજપની બહેનો ચૂપ કેમ ?
સદાશિવનગર પોલીસે માર્ચ મહિનામાં ગુનો નોંધ્યા બાદ કર્ણાટકના ડીજીપી આલોક મોહને કેસ સીઆઈડીને વધુ તપાસ માટે ટ્રાન્સફર કર્યો હતો.
યેદિયુરપ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાવનારી 54 વર્ષની મહિલાનું ગયા મહિને સ્થાનિક હૉસ્પિટલમાં લન્ગ કેન્સરને કારણે મૃત્યુ થયું હતું. એપ્રિલ મહિનામાં યેદિયુરપ્પાના વોઈસ સેમ્પલ લીધા હતા. (પીટીઆઈ)