ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન શિબુ સોરેનનું 81 વર્ષની વયે અવસાન

રાંચી: લાંબી બીમારી બાદ ઝારખંડ મુક્તિ મોરચા(JMM)ના વડા અને ઝારખંડ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાબ શિબુ સોરેનનું 81 વર્ષની વયે અવસાન (Shibu Soren passed away) થયું છે. તેમના દીકરા અને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને સોમવારે સવારે તેમના અવસાન અંગે જાણકરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
હેમંત સોરેને X ના તેમના પિતાના અવસાનના સમાચાર શેર કર્યા. તેમણે લખ્યું “પ્રિય દિશામ ગુરુજી આપણને છોડીને ચાલ્યા ગયા છે. મેં મારું સર્વસ્વ ગુમાવ્યું.”
જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં શિબુ સોરેનને કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહિનાથી વધુ સમયથી તેઓ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતાં, તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં.
વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યું:
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શિબુ સોરેનના અવસાન પર દુઃખ વ્યકત કર્યું છે. તેમણે X પર લખ્યું, “શિબુ સોરેનજી જમીન સાથે જોડાયેલા નેતા હતા જેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે કામ કર્યું. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને દલિત વર્ગના સશક્તિકરણ માટે કામ કરતા રહ્યા. તેમના નિધનથી દુઃખ થયું. મારી ભાવના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઝારખંડના મુખ્યપ્રધાન શ્રી હેમંત સોરેનજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.”
ચાર દાયકા લાંબી રાજકીય કારકિર્દી:
શિબુ સોરેન ત્રણ વખત ઝારખંડના મુખ્યપ્રધાન રહેવા ઉપરાંત , તેઓ આઠ વખત લોકસભામાં ચૂંટાયા અને બે વખત રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપી, જેની બીજી ટર્મ હાલ ચાલુ હતી. તેઓ 1980 થી 1984, 1989 થી 1998 અને 2022 થી 20019 સુધી દુમકા બેઠકથી લોકસભાના સંસદ રહ્યા હતાં. તેઓ કેન્દ્ર સરકારમાં કોલસા પ્રધાન તરીકે પણ સેવા આપી ચુક્યા છે.
ઝારખંડની સ્થાપનામાં સિંહફાળો:
સંથાલ સમુદાયમાં જન્મેલા શિબુ સોરેને બિહારથી અલગ ઝારખંડ રાજ્યની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.. તેમણે 1972માં ડાબેરી ટ્રેડ યુનિયન નેતા એકે રોય અને કુર્મી મહતોના નેતા બિનોદ બિહારી મહતો સાથે મળીને ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરી હતી. શિબુ સોરેન ઝારખંડ રાજ્યની સ્થાપનાની ચળવળનો મુખ્ય ચહેરો બન્યા, વર્ષ 2000માં ઝારખંડની રચના થઈ.
આ પણ વાંચો…કેન્દ્ર ઝારખંડની માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા પ્રતિબદ્ધ