
નવી દિલ્હીઃ ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્પીનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આજે અચાનક તેમના નિધનના સમાચાર આવ્યા છે. 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો ભાગ બનેલા બિશન સિંહ બેદી હવે નથી રહ્યા.
તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 250થી વધુ વિકેટ લીધી હતી. બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો, તેઓ ડાબા હાથના સ્પિન બોલર હતા. શરૂઆતમાં તેઓ રિજનલ લેવલ પર દિલ્હી માટે રમતા હતા. બાદમાં તેમની ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ હતી.