નરેન્દ્ર મોદી સામે મોરચો માંડનારા ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન

નવી દિલ્હી: લાંબો સમય બીમારી સામે ઝઝૂમ્યા બાદ સંયુક્ત જમ્મુ અને કાશ્મીર રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 79ની વર્ષની વયે અવસાન (Satyapal Malik passed away) થયું છે.તેઓ ઘણા દિવસોથી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ હતાં, આજે સવારે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ દિવસો સુધી તેઓ કેન્દ્રની ભાજપ સરકાર સામે સતત ગંભીર સવાલો ઉઠાવતા રહ્યા., જેના માટે તેઓ સતત ચર્ચામાં રહેતાં.
સત્યપાલ મલિકના સત્તાવાર એક્સ-એકાઉન્ટ પરથી તેમના અવસાન અંગે માહિતી શેર કરવામાં આવી છે. અગાઉ આ એક્સ-એકાઉન્ટ 9 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં તેઓ ગંભીર રીતે બીમાર હોવાની માહિતી આપવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર ઉપરાંત સત્યપાલ માલિકે બિહાર, ગોવા અને મેઘાલય જેવા રાજ્યોનાં રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો: ગઈ કાલે CBIએ ચાર્જશીટ દાખલ કરી, આજે સત્યપાલ મલિક હોસ્પિટલમાં દાખલ
મોદી સામે મોરચો માંડ્યો હતો:
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિકના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370 પણ હટાવી હતી. જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ વિભાજીત કરવામાં આવ્યું.
તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 2019માં પુલવામા હુમલો થયો હતો, જેમાં ભારતીય સેનાના 76 જવાનો શહીદ થયા હતાં. આ હુમલા મામલે તેમણે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. સત્યપાલ મલિકે કહ્યું હતું કે પુલવામા ઘટનામાં ઈન્ટેલીજન્સની ગંભીર નિષ્ફળતા હતી કારણ કે પાકિસ્તાનથી આવેલા ૩૦૦ કિલોગ્રામ આરડીએક્સ વિસ્ફોટકો ભરેલી કાર 10-15 દિવસથી જમ્મુ અને કાશ્મીરના રસ્તાઓ ફરતી રહી, કોઈને ખબર ન પડી.
વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ:
સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ જવાનોને મોકલવા વિમાનની વિનંતી કરી હતી, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વિનંતીને નકારી કાઢી હતી. તેમને વડાપ્રધાન મોદી પણ ગંભીર આરોપ લગાવ્યા હતાં કે પુલવામા હુમલા બાદ તરત જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘટના અંગે જાણ કરી હતી અને સરકારની બેદરકારી તરફ ધ્યાન દોર્યું હતું, પરંતુ વડાપ્રધાન મોદીએ તેમને “ચૂપ રહેવા” કહ્યું હતું. તેમના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ તેમને ચૂપ રહેવાની સલાહ આપી હતી.
હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ:
સત્યપાલ મલિકે જમ્મુ અને કશ્મીરના એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવોકાર્યો હતો, ત્યારબાદ સીબીઆઈએ એ જ કેસમાં તેમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સત્યપાલ મલિકે હોસ્પિટલમાં હત્યા ત્યારે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમણે સખત વાંધો ઉઠાવ્યો હતો.
વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ:
સત્યપાલ માલિકે તેમની રાજકીય કારકિર્દી કોલેજના દિવસોથી શરુ કરી હતી, તેઓ સમાજવાદી વિચારધારા ધરાવતા વિદ્યાર્થી નેતા હતા. તેઓ પોતાને ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહના શિષ્ય ગણાવતા. એ સમયે તેઓ ખેડૂતોના આંદોલનમાં જોડાયા હતાં. વર્ષ 1970 તેમણે સત્તાવર રીતે રાજકારણમાં જંપલાવ્યું અને 1974માં બાગપત બેઠા પર ચૌધરી ચરણ સિંહની પાર્ટી ભારતીય ક્રાંતિ દળ તરફ વિધાનસભાની ચૂંટણી લડી અને જીત મેળવી હતી. બાદમાં રાષ્ટ્રીય લોકદળની રચના થઈ, ત્યારે તેઓ પાર્ટીના મહાસચિવ બન્યા.
અલગ અલગ પાર્ટી તરફથી સાંસદ બન્યા:
વર્ષ 1980 માં તેઓ લોકદળ તરફથી રાજ્યસભાના સાંસદ બન્યા. 1984માં તેઓ કોંગ્રેસમાં જોડાયા, પરંતુ બોફોર્સ કૌભાંડમાં બહાર આવતા તેમણે પાર્ટી છોડી દીધી. બાદમાં 1988માં વીપી સિંહના નેતૃત્વ હેઠળના જનતા દળમાં જોડાયા. 1989માં, તેઓ અલીગઢથી લોકસભાની ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા. ત્યાર બાદ તેઓ કોઈ ચુંટણીની જીતી શક્યા નહીં
વર્ષ 1996માં તેઓ અલીગઢ બેઠક પર સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા, પરંતુ જીત ના મળી. વર્ષ 2004માં તેઓ બાગપતથી ભાજપની ટીકીટ પર ચૂંટણી લડ્યા પણ હારી ગયા. છતાં, તેઓ ભાજપ સાથે જોડાયેલા રહ્યા.
રાજ્યપાલ બન્યા બાદમાં ભાજપનો વિરોધ કર્યો:
વર્ષ 2012માં ભાજપે તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા અને 2017 તેમને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. બાદમાં તેમને જમ્મુ અને કાશ્મીર રાજ્યના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી, તેમના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 પણ હટાવી હતી. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ વિભાજીત કરવામાં આવ્યું.
સત્યપાલ મલિકે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી.