
નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને(Manish Sisodia) એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની ખંડપીઠે ત્રણ દિવસ પહેલા 6 ઑગસ્ટના રોજ આ મામલે આદેશ અનામત રાખ્યો હતો. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.
અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ
મનીષ સિસોદિયાને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જામીનના મામલામાં હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ સુરક્ષિત નિર્ણય આપે છે. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે.
એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ આજે સુપ્રીમ કોર્ટને મનીષ સિસોદિયાને દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશતા અટકાવવા વિનંતી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે અમે આને મંજૂરી આપી શકીએ નહીં. સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે.
સિસોદિયાને ત્રણ શરતો પર જામીન
સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે. પહેલું એ કે તેમણે 10 લાખ રૂપિયાના બોન્ડ ભરવાના રહેશે. આ સિવાય તેઓએ બે જામીન રજૂ કરવાના રહેશે. જ્યારે ત્રીજી શરત એ છે કે તેમણે પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે