હાઇ કોર્ટથી ઝટકો મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પૂર્વ સીએમ હેમંત સોરેન
નવી દિલ્હીઃ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેને સોમવારે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાજ્યની હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે ઝારખંડ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે. સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આ કેસનો ઉલ્લેખ કર્યો હતો અને તેની તાત્કાલિક સૂચિની માંગ કરી હતી. રાજ્યમાં 13 મેના રોજ ચૂંટણી થવાની છે અને હેમંત સોરેનના બંધારણીય અધિકારોને અસર થઈ રહી છે. ચૂંટણી માટે તેમને જામીન મળવા જોઈએ.
હાઇ કોર્ટની બેંચમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ છે. સોરેને મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે અરજી કરી હતી. બેન્ચે કહ્યું કે તે આ વિનંતી પર વિચાર કરશે, પણ ઝારખંડ હાઈકોર્ટે શુક્રવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની રિટ અરજીને ફગાવી દીધી હતી અને તેમને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેમાં તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડને પડકારી હતી. જો કે, કોર્ટે જેલમાં રહેલા સોરેનને 6 મેના રોજ પોલીસ કસ્ટડીમાં તેમના કાકાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની મંજૂરી આપી હતી.
EDએ 31 જાન્યુઆરીએ સોરેનની ધરપકડ કરી હતી અને તેઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. 13 દિવસની EDની કસ્ટડી બાદ 15 ફેબ્રુઆરીએ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.