નેશનલ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે…..

શ્રીનગર: પૂંછમાં આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેના પર સેનાની કાર્યવાહી પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો જમ્મુ-કાશ્મીરની હાલત ગાઝા જેવી થઈ જશે. અને આપણે પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેમ જ બોમ્બમારાનો સામનો કરીશું.

નોંધનીય છે કે 21 ડિસેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ આર્મીની ટ્રક અને જીપ્સી પર હુમલો કર્યો હતો. સેનાના બે વાહનો પર થયેલા આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. આ આતંકી હુમલા બાદ ભારતીય સેનાના જવાનોએ પણ તરત જ જવાબી કાર્યવાહી કરીને કેટલાક આતંકીઓને ઠાર કર્યા હતા. એક મહિનામાં આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકી હુમલો છે.

ત્યારે પૂંછમાં થયેલા આતંકવાદી હુમલા વિશે બોલતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો અંત આવ્યો નથી. પહેલા કરતાં પણ આતંકવાદ વધી ગયો છે. આજે મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે નફરત એટલી બધી વધી ગઈ છે કે તેઓ એકબીજાને દુશ્મન માનવા લાગ્યા છે. નવાઝ શરીફ પાકિસ્તાનમાં વજીરે આઝમ બનવા જઈ રહ્યા છે. જો તે મંત્રણા માટે તૈયાર છે તો આપણે કેમ નહીં?

ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું હતું કે વાજપેયીજીએ કહ્યું હતું કે મિત્રો બદલી શકાય છે, પાડોશી બદલી શકાતા નથી. જો આપણે આપણા પડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ રહીશું તો બંને પ્રગતિ કરશે. જો આપણે દુશ્મનાવટમાં રાખીશું તો આગળ વધી શકીશું નહી. મોદીજીએ પોતે જ કહ્યું છે કે આજના યુગમાં યુદ્ધ કોઈ વિકલ્પ નથી. વાતચીત દ્વારા જ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. તો તે વાતચીત કેમ થતી નથી. નવાઝ શરીફ બૂમો પાડીને કહે છે કે આપણે વાત કરીશું. શું કારણ છે કે આપણે મંત્રણા માટે તૈયાર નથી? જો આપણે મંત્રણા દ્વારા આનો ઉકેલ નહીં લાવીએ, તો મને એ કહેતા દુ:ખ થાય છે કે આપણે પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ ભાવિનો સામનો કરીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button