આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને નહીં મળી રાહત, હવે આ દિવસે થશે સુનાવણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એસવીએન ભટ્ટીએ બુધવારે 27મી સપ્ટેમ્બરના આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુની સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમમાં તેમની સામે કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગણી કરતી અરજી પર થઈ રહેલી સુનાવણીથી પોતાની જાતને અલગ કરી દીધી હતી અને એને કારણે હવે આગામી સુનાવણી ત્રીજી ઓક્ટોબરના નવી બેન્ચ કરશે.
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેન્ચ સમક્ષ કરાઈ રહી હતી. જેવી સુનાવણી શરૂ થઈ એટલે એસવીએન ભટ્ટીએ પોતાની જાતને આ સુનાવણીથી અલગ કરી દીધા હતા અને હવે આ કેસની આગામી સુનાવણી ત્રીજી ઓક્ટોબરના બીજી બેન્ચ સમક્ષ કરવામાં આવશે.
ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુનો પક્ષ રજૂ કરી રહેલાં વકીલ સિદ્ધાર્થ લુથરાએ બેન્ચને કહ્યું હતું કે આ કેસમાં તત્કાલ સુનાવણી માટે ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની બેન્ચ સામે અરજીને સૂચિબદ્ધ કરવામાં આવે. આ કેસમાં ચંદ્રબાબુ નાયડુનું પ્રતિનિધિત્વ કરી રહેલાં વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ પણ જણાવ્યું હતું કે જો બેન્ચ સુનાવણી નથી કરવા માગતી તો કોર્ટ તેને આવતા અઠવાડિયા માટે સૂચિબદ્ધ કરવાનો આદેશ આપી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં 28મી ઓગસ્ટના ગુરૂવારે રજા રહેશે. ત્રીજી ઓક્ટોબરના સુપ્રીમ કોર્ટ શરૂ થશે અને એ જ દિવસે ચંદ્રબાબુ નાયડુના કેસમાં સુનાવણી કરવામાં આવશે. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા ત્યારે સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો અને આ અનુસંધાનમાં જ 9મી સપ્ટેમ્બરના તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ કૌભાંડમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સીએમ પર રૂપિયા 371 કરોડના કૌભાંડનો આક્ષેપ છે. ટ્રાયલ કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી પાંચમી ઓક્ટોબર સુધી વધારવામાં આવી હતી.