ક્રેડિટ સોસાયટી કૌભાંડ: આઇપીએસ ઓફિસર ભાગ્યશ્રી નવટક્કે વિરુદ્ધ ફોર્જરી બદલ ગુનો
પુણે: ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને સંડોવતા 1,200 કરોડ રૂપિયાના કૌભાંડમાં તપાસની આગેવાની કરનાર આઇપીએસ ઓફિસર ભાગ્યશ્રી નવટક્કે વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને ફોર્જરી બદલ પુણે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આ કૌભાંડની તપાસમાં અનેક ક્ષતિઓ દર્શાવતા સીઆઇડીના અહેવાલને આધારે અને રાજ્યના ગૃહ વિભાગના નિર્દેશને પગલે નવટક્કે તથા અન્ય અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પુણે જિલ્લામાં ભાઇચંદ હીરાચંદ રાયસોની ક્રેડિટ સોસાયટીને સંડોવતા રૂ. 1,200 કરોડને લગતા કેસોની તપાસ કરવા નવટક્કેએ 2021-22માં ડીસીપી (આર્થિક ગુના શાખા) તરીકે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું નેતૃત્વ કર્યું હતું.
સીઆઇડી (ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)એ ભાઇચંદ હીરાચંદ રાયસો (બીએચઆર)ની કૌભાંડની તપાસ હાથ ધરી હતી. સીઆઇડીએ તેમના અવલોકનો અને તારણોની વિગતો આપતો અહેવાલ રાજ્યના ગૃહ વિભાગને સુપરત કર્યો હતો. ગૃહ વિભાગે બાદમાં સીઆઇડીના રિપોર્ટને આધારે પુણે પોલીસને ગુનો દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચો: હવે મહારાષ્ટ્રની આ બેંક પર રિઝર્વ બેંકે પ્રતિબંધ મૂક્યો, જોઇલો તમારી બેંક તો નથી ને….
ગૃહ વિભાગના આદેશને પગલે બીએચઆર કૌભાંડમાં દાખલ કેસોની તપાસ કરવા માટે રચાયેલી એસઆઇટીનું નેતૃત્વ કરનાર નવટક્કે વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું), 466 (કોર્ટ અથવા પબ્લિક રજિસ્ટના રેકોર્ડમાં ફોર્જરી), 474 (ચેડાં કરેલા દસ્તાવેજો કબજામાં રાખવા) અને 201 (પુરાવા નષ્ટ કરવા)હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
એક જ દિવસમાં એક ગુનામાં કાર્યવાહીમાં ક્ષતિ અને ફોર્જરી સંબંધે ત્રણ અલગ અગલ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. બે કેસમાં ફરિયાદીની ગેરહાજરીમાં ગુનો દાખલ કરાયો હતો. એફઆઇઆર દાખલ કરતી વખતે ફરિયાદીની હાજરી ન હોવા છતાં દસ્તાવેજો પર તેના હસ્તાક્ષર મળી આવ્યા હતા.
નવટક્કે હાલમાં ચંદ્રપુરમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)માં કાર્યરત છે. આ કૌભાંડ 2015માં બહાર આવ્યું હતું. ફિકસ્ડ ડિપોઝિટ પર આકર્ષક વળતરનું વચન આપીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. (પીટીઆઇ)