ઉત્તરાખંડના જંગલોમાં આગપ્રકોપ : અત્યાર સુધી પાંચના મોત, હવામાન વિભાગની આગાહીથી રાહતના એંધાણ
દેહરાદૂન : ઉત્તરાખંડ (Uttarakhand)ના વિવિધ વિસ્તારોમાં જંગલોમાં લાગેલી આગ (Forest Fire) હજુ પણ યથાવત છે. રવિવારે આ આગે વધુ એક જીવ લીધો હતો, જેના કારણે મૃત્યુઆંક 5 થયો હતો. જંગલમાં લાગેલી આગને કારણે આદિ કૈલાશ હેલિકોપ્ટર દર્શન સેવા બીજા દિવસે પણ સ્થગિત કરવામાં આવી છે. તે જ સમયે, આગના ધુમાડાને કારણે પિથોરાગઢના નૈની-સૈની એરપોર્ટ પર ફ્લાઇટ્સનું આગમન બંધ કરી દેવામાં આવ્યું છે. હવે રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ રવિવારે મુખ્ય સચિવ રાધા રતુરીને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એક અઠવાડિયા સુધી દરરોજ આગ પર દેખરેખ રાખવા માટે આદેશ આપ્યો છે.
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૌરી જિલ્લાના થાપલી ગામમાં જંગલની આગને ખેતર તરફ આવતી જોઈને મહિલા ઝડપથી ઘાસના પુળા લેવા ગઈ હતી. જોકે, આ દરમિયાન તે આગની ઝપેટમાં આવી ગઈ હતી. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અગાઉ ત્રણ મજૂરો પણ આગને કારણે મૃત્યુ પામ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બિહારના ત્રણ લોકો બ્રજેશ કુમાર, સલમાન અને સુખલાલની રાજ્યમાં જંગલમાં આગ લગાડવા માટે ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલ એક વીડિયો સામે આવ્યો જેમાં ત્રણ યુવકો જંગલમાં આગને વધારવાના પ્રયત્નો કરતાં જોવા મળ્યા હતા. પોલીસે ચાર વ્યક્તિઓ સામે જંગલોમાં આગ લગાડવાનો પણ ગુનો નોંધ્યો છે.
હવામાન વિભાગની આગાહીથી રાહતની આશા :
પીટીઆઈ અનુસાર, દેહરાદૂન સ્થિત હવામાન કેન્દ્રના નિર્દેશક વિક્રમસિંહે કહ્યું છે કે કુમાઉ ક્ષેત્રમાં 7 મેથી વરસાદની સંભાવના છે, જ્યારે 8મીથી ગઢવાલ ક્ષેત્રમાં વરસાદ શરૂ થશે. તેમણે કહ્યું કે આ પછી 11 મેથી વરસાદની ગતિવિધિઓ વધુ વધવાની સંભાવના છે અને આ વરસાદ આગને શમાવવામાં મદદરૂપ થશે.
અત્યાર સુધીમાં કેટલું નુકસાન?
ઉત્તરાખંડના જંગલોમાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની 24 ઘટનાઓ સામે આવી છે, જેના કારણે 23.75 હેક્ટર જંગલ પ્રભાવિત થયું છે. ગયા વર્ષે 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં જંગલમાં આગ લાગવાની 910 ઘટનાઓ બની છે, જેના કારણે લગભગ 1145 હેક્ટર જંગલને અસર થઈ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લોકોને અપીલ કરી છે કે તેઓ જંગલોને બચાવવા માટે તેમનો સંપૂર્ણ સહયોગ આપે.