ફોર્બ્સની યાદી જાહેરઃ જાણો ઇલોન મસ્કથી લઇને મુકેશ અંબાણી સહિતના અબજોપતિની સંપત્તિ

નવી દિલ્હી : ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2025 જાહેર કરવામાં આવ્યું છે. જેમા અબજોપતિઓની સંખ્યામા વધારા સાથે તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે. જેમા યુએસમાં 902 અબજોપતિ, ચીનમાં હોંગકોંગ સહિત 516 અને ભારતમા 205 અબજોપતિ છે. આ ઉપરાંત તેમની સંપત્તિની વાત કરીએ તો વર્ષ 2024 કરતા સંપત્તિમા 2 ટ્રિલિયન ડોલરના વધારા સાથે 16.1 ટ્રિલિયન સુધી પહોંચી છે.
એલોન મસ્કે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ ક્રમે
આ યાદી મુજબ ટેસ્લા અને સ્પેસએક્સના સહ-સ્થાપક ઇલોન મસ્ક વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 342 બિલિયન ડોલર છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ બીજા નંબરે છે અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ત્રીજા નંબરે છે. આ વર્ષે કુલ 3,028 રોકાણકારો, વારસદારો અને ઉદ્યોગપતિઓએ ફોર્બ્સની વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ચીન 450 અબજોપતિઓ માટે બીજા ક્રમનો સૌથી મોટો દેશ
ચીન 450 અબજોપતિઓ માટે બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. જેમની સંયુક્ત સંપત્તિ 1.7 ટ્રિલિયન ડોલર છે. જોકે 2024માં બજારમાં કડાકો અને શેરબજારમાં મંદીની ચીનની સંપત્તિ પર નોંધપાત્ર અસર પડી છે. જેના કારણે લગભગ 400 બિલિયન ડોલરનું નુકસાન થયું.
ટિકટોકની પેરેન્ટ કંપની બાયટેન્સના સહ-સ્થાપક ઝાંગ યિમિંગ ચીનના સૌથી અમીર વ્યક્તિ બન્યા. બાયટેન્સે તેના શેર ફરીથી ખરીદ્યા પછી આ વાત સામે આવી છે, જેનાથી કંપનીનું મૂલ્ય 312 બિલિયન ડોલર થયું છે. પરિણામે ઝાંગની વ્યક્તિગત સંપત્તિ આશરે 65.5 બિલિયન ડોલર સુધી વધી ગઈ. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ટિકટોકને અમેરિકન માલિકને વેચવા અથવા યુએસ પ્રતિબંધનો સામનો કરવા માટે 5 એપ્રિલની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2025મા ભારત ત્રીજા ક્રમે
ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2025મા ભારત ત્રીજા ક્રમે છે. જેમા 205 અબજોપતિઓ પાસે 941 અબજ ડોલરની સામૂહિક સંપત્તિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી 92.5 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. જે પેટ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ, ટેલિકોમ, રિટેલ, મીડિયા અને નાણાકીય ક્ષેત્રે કાર્યરત છે.
ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 56.3 બિલિયન ડોલર છે અને તેઓ યાદીમાં 28મા ક્રમે છે. ગૌતમ અદાણી ગ્રુપના ચેરમેન છે. જે પોર્ટ એરપોર્ટ, વીજળી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે કામગીરી કરે છે.
જર્મની 171 અબજોપતિઓ સાથે ચોથા ક્રમે
જ્યારે જર્મની 171 અબજોપતિઓ અને કુલ 793 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથો સૌથી અમીર દેશ છે. જર્મનીના સૌથી ધનિક વ્યક્તિ ડીટર શ્વાર્ઝની કુલ સંપત્તિ 41 બિલિયન ડોલર છે. રશિયા 140 અબજોપતિઓ સાથે પાંચમા ક્રમે છે જેની કુલ સંપત્તિ 580 બિલિયન ડોલર છે. વાગિત અલેકપેરોવ રશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 28.7 બિલિયન ડોલર છે. ટોચના ક્રમાંકમાં રહેલા અન્ય દેશોમાં કેનેડા, ઇટાલી, હોંગકોંગ, બ્રાઝિલ અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: આ છે દેશનું સૌથી આર્થિક સમૃદ્ધ રાજ્ય, જાણો વિગતો…