પહેલીવાર ત્રાસવાદી હુમલાને પાકિસ્તાની કલાકારોએ વખોડ્યો, આખો દેશ જો…

પાકિસ્તાનના નાપાક ઈરાદાઓથી જેટલું ભારત અને દુનિયા ત્રસ્ત છે, તેટલા કે તેના કરતા વધારે ત્યાના લોકો ત્રસ્ત છે, પરંતુ ખુલીને બોલતા નથી. લગભગ પહેલીવાર એવું બન્યું છે કે પહેલગામના આતંકવાદી હુમલાી પાકિસ્તાની કલાકારોએ ખુલ્લેઆમ નિંદા કરી છે અને મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આ કલાકારો એ છે જેમનું ભારતીય ફિલ્મો જોડે જોડાણ છે એટલે તે લગભગ સમજે છે કે તેમના દેશના આ અઘોરી કૃત્યો તેમને અને જનતાને કેવા ભારે પડે છે.

પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રતિક્રિયા આપતા પોસ્ટ મૂકી છે કે કોઈપણ જગ્યાએ થયેલો આતંકવાદ આપણા બધા માટે આતંકવાદ છે. તાજેતરની ઘટનાઓથી પ્રભાવિત નિર્દોષ લોકો પ્રત્યે મારી સંવેદના. દર્દમાં, દુઃખમાં અને ઉમ્મીદમાં આપણે બધા એક છીએ. જ્યારે નિર્દોષ લોકો મૃત્યુ પામે છે ત્યારે પીડા માત્ર તેમની નહીં આપણા બધાની હોય છે. દુઃખ એક જ ભાષા બોલે છે. આપણે માનવતાને પસંદ કરવી જોઈએ. હાનિયા અમિર દિલજીત દોસાંઝ સાથે કામ કરવા જઈ રહી છે તેવા અહેવાલો હતા. ગાયક બાદશાહ અને હાનિયાની મિત્રતા વિશે પણ ઘણી ચર્ચા થાય છે.
અબીર ગુલાલના અભિનેતા ફવાદ ખાને પણ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. પહેલગામમા થયેલા જઘન્ય હુમલાની ખબર સાંભળી દુઃખ થયું. મારી પ્રાર્થનાઓ પીડિતો સાથે છે, તેમ ફવાદે લખ્યું છે. જોકે ફવાદ અને વીણા કપૂરની ફિલ્મની રિલિઝ પહેલેથી વિવાદોમાં હતી ત્યારે આ ઘટના બાદ તેનું ભાવિ અધ્ધરતાલ છે.
તો તાજેતરમાં જેની ફિલ્મની રિ-રિલિઝે ધૂમ મચાવી હતી તે સનમ તેરી કસમની અભિનેત્રી મારવા હુસૈને પણ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. એક સામે થયેલું આતંકવાદનું કૃત્યુ બધા સામે આતંકવાદ જ છે. દુનિયામાં શું થઈ રહ્યું છે. તેણે મૃતકો માટે સંવેદના વ્યકત કરી હતી.
આપણ વાંચો: આ મોબાઈલ એપની મદદથી પહેલગામ સુધી પહોંચ્યા હતા આતંકવાદીઓ! કોણે બનાવી આ App?
જોકે બે-ચાર કલાકારોની શ્રદ્ધાજંલિ ભારતીયોના હૃદયમાં લાગેલા જખ્મોને જરાપણ હળવા નહીં કરી શકે. સમગ્ર પાકિસ્તાનની જનતાએ પોતાના દેશમાં વકરી રહેલા આતંકવાદ સામે વિરોધ ઉઠાવવો પડશે અને પોતાના રાજાકારણીઓ અને લશ્કરી વડાઓને ફરજ પાડવી પડશે કે આવા જૂથો અને વૃત્તિઓ ધરાવતા લોકોને પોષવાને બદલે તેમનો સફાયો બોલાવે.