નેશનલ

નવો મહિનો લઈ આવ્યો છે નવા ખર્ચા, આ વસ્તુઓ કે સેવાઓ આજથી થશે મોંઘી

નવી દિલ્હીઃ આજથી ઑગસ્ટ મહિનો શરૂ થયો છે. આ મહિનો તહેવારો અને શિવભક્તિ માટે જાણીતો છે, પરંતુ સામાન્ય જીવતા જીવનની વાત કરીએ તો આ મહિનાથી અમુક વસ્તુઓ તમને મોંઘી મળવાની છે. આ મહિને તમારા બીજા ખર્ચ સાથે જૂતા-ચપ્પલનો ખર્ચ કરવાનો થાય તો તમને મોંઘું પડશે, તેમ લાગી રહ્યું છે.

જૂતા અને ચપ્પલ માટેના ગુણવત્તાના નવા ધોરણો પહેલી ઓગસ્ટથી એટલે કે આજથી લાગુ કરવામાં આવશે, જેના કારણે ફૂટવેરની કિંમતોમાં વધારો શક્ય છે અને તમારે પહેલા કરતાં વધુ પૈસા ચૂકવવા પડે તેમ લાગે છે. તેના ઉપર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો પણ વધી શકે છે. ગયા મહિને સરકારે તેની કિંમતોમાં થોડો ઘટાડો કર્યો હતો, પણ આ મહિને ભાવ વધી શકે છે, તેમ સૂત્રોનું કહેવાનું છે.

સીએનજી-પીએનજીના ભાવમાં રિવિઝન મહિનાના પહેલા દિવસે જ જોવા મળે છે, પરંતુ અત્યાર સુધી કોઈ સમાચાર આવ્યા નથી, તેથી આશા રાખીએ કે આ મહિનામાં ન વધે.

એચડીએફસીએ કરી આ જાહેરાત HDFC બેંકમાં 1 ઓગસ્ટથી જ મોટો ફેરફાર જોવા મળશે. વાસ્તવમાં, જો CRED, Paytm, Mobikwik, Freecharge અને અન્ય થર્ડ પાર્ટી એપ્સ દ્વારા HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવામાં આવે છે, તો તે ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ વસૂલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ચાલુ મહિનામાં 13 દિવસની બેંક રજાઓ હશે, તેથી તમારા માટે તે તારીખોની નોંધ રાખવી મહત્વપૂર્ણ છે.

આ સેવા સસ્તી પણ થશે
મોંઘવારી સાથે અમુક વસ્તુ કે સાવ સસ્તી થવા પણ જઈ રહી છે. જેમાં સૌથી પહેલું નામ ગૂગલ મેપનું છે. ગૂગલ મેપ પણ 1લી ઓગસ્ટથી મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. એક તરફ, તેણે તેના ચાર્જીસ 70 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે, આની ઉપર, ગૂગલ હવે તેની મેપ સર્વિસ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પેમેન્ટ લેવા જઈ રહ્યું છે. આને મોટા ફેરફાર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button