નેશનલ

કડકડતી ઠંડીને પગલે દેશના આ રાજ્યોમાં જાહેર થઇ રજાઓ

નવી દિલ્હી: રાજસ્થાન, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર અને ઠંડીનો માહોલ છવાતા શાળાના બાળકો માટે વેકેશન જાહેર કરી દેવાયું છે. સતત તાપમાન નીચું જઇ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. હરિયાણામાં શાળાઓ-કોલેજોમાં વિદ્યાર્થીઓને વિન્ટર વેકેશન એટલે કે શિયાળુ રજાઓ આપી દેવાઇ છે, ત્યારે જાણીએ અન્ય રાજ્યોમાં શું સ્થિતિ છે.

રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ ઠંડી હજુપણ વધવાની શક્યતાઓ છે, ત્યારે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી દિલ્હમાં શાળાાઓ બંધ રાખવામાં આવશે. પહેલા પણ 15 દિવસની રજાઓ આપવામાં આવતી હતી પરંતુ નવેમ્બરમાં દિવાળી બાદ પ્રદૂષણ જોખમકારક રીતે વધી જતા 9થી 18 તારીખ સુધી શાળાઓ બંધ રહી હતી.

હરિયાણામાં 1થી 15 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. સરકારે તમામ ખાનગી અને સરકારી શાળાઓ માટે આ નિર્ણય લીધો છે. 16 જાન્યુઆરી સુધી શાળાઓ ફરી ખુલી જશે. હરિયાણા શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને આ વિશે નિયમો જાહેર કર્યા છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં શીત લહેર શરૂ થઈ ગઈ છે. ઠંડીને જોતા રાજ્યની તમામ પરિષદીય સ્કૂલોમાં 31 ડિસેમ્બર 2023થી રજા જાહેર કરવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, યુપીની પરિષદીય સ્કૂલો 31 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2024 સુધી બંધ રહેશે. એટલે કે યુપીની શાળાઓમાં 15 દિવસનું શિયાળુ વેકેશન રહેશે.

ઝારખંડમાં કાતિલ ઠંડીને જોતા શિક્ષણ વિભાગે શાળાઓમાં રજા જાહેર કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ઝારખંડની તમામ શાળાઓમાં 26 થી 31 ડિસેમ્બર સુધી રજા રહેશે. જોકે, બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની શાળાઓને ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજસ્થાનની ભજનલાલ સરકારે પણ શાળાઓમાં રજા જાહેર કરી છે. રાજ્યમાં 25મી ડિસેમ્બર સોમવારથી શિયાળુ વેકેશન શરૂ થશે અને 5 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. આ વર્ષે રાજસ્થાનમાં 13 દિવસનું શિયાળુ વેકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે જો ઠંડીનું પ્રમાણ વધે તો રજાઓ લંબાવવામાં આવી શકે છે.

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષા અને કોલ્ડવેવને ધ્યાનમાં રાખીને, રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓને 11 ડિસેમ્બર, 2023 થી 29 ફેબ્રુઆરી, 2024 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, 8મી સુધીની શાળાઓની રજાઓ 11મી ડિસેમ્બરથી શરૂ થઈ હતી જ્યારે 9મીથી 12મી સુધીની શાળાઓની રજાઓ 18મી ડિસેમ્બરથી શરૂ થઈ હતી. આ રજાઓ 29 ફેબ્રુઆરી સુધી ચાલશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button