
ઉત્તર ભારતમાં આ વખતે મોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબની હાલત વધુ ચિંતાજનક બની છે. ભારતના પંજાબમાં પણ સતલુજ, બ્યાસ, રાવી અને ઘગ્ગર જેવી નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે વ્યાપક વિનાશ સર્જાયો છે. આ પૂરની પરિસ્થિતિથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે.
પંજાબના 23માંથી 12 જિલ્લાઓમાં પૂરની અસર વર્તાઈ રહી છે, અહેવાલો પ્રમાણે અત્યાર સુધીમાં 29થી 30 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 2.5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. આશરે 1,000થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને 3 લાખ એકર જમીન પરની ધાન, કપાસ અને મકાઈ જેવા પાકનું સંપૂર્ણ નુકસાન થયું છે. લગભગ 15 લાખ લોકો પર તેની અસર પડી છે અને 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક અને વિસ્થાપનની સંખ્યા સતત વધી રહી છે.
ઉલ્લેખનીય છે છેલ્લા 6 વર્ષમાં પંજાબ રાજ્યમાં પૂરની સ્થિતી સર્જાવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ 2023માં 1,500થી વધુ ગામો અસરગ્રસ્ત થયા હતા અને 2 લાખ હેક્ટર જમીન પરની પાકને વ્યાપર નુકસાન થયું હતું. 2019માં પણ 300થી વધુ ગામોમાં વિનાશ થયો હતો. આ વર્ષે પણ હવામાન વિભાગે સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.
ચીનમાં આયોજિત એસસીઓ મીટિંગથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી માન સાથે વાત કરી અને સ્થિતિની માહિતી મેળવી, જ્યારે આપદા વ્યવસ્થાપન ટીમો યુદ્ધસ્તરે કામ કરી રહી છે. અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો ચાલુ છે અને ભારતે પાકિસ્તાનને પણ બાઢની ચેતવણી આપી છે. સ્વયંસેવી સંસ્થાઓ અને સરકારી ટીમો મળીને રાહત સામગ્રી વહેંચી રહી છે, જેમાં પંજાબીઓની માનવતા અને એકતાનો અદ્ભુત પરિચય મળે છે.
આ પણ વાંચો…સાવધાન પાકિસ્તાન! સતલજ નદીમાં પૂર આવી શકે છે: ભારતે કેમ આપી ચેતવણી?