દિલ્હી પર પૂરનું જોખમ: યમુનાએ ભયજનક સપાટી વટાવી, મુખ્ય પ્રધાને નિરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રાજ્યો છે. ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલમાં મેઘ તાંડવ સર્જાયું છે, જેને કારણે આ રાજ્યોના પર્વતીય વિસ્તારોમાંથી નીકળતી નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે. યમુના નદીમાં વધી રહેલા જળસ્તરને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પુરનું જોખમ ઉભું થયું છે.
અહેવાલ મુજબ યમુના નદી દિલ્હીમાં 205.33 મીટરની ભયજનક સપાટીનું ઉપર વહી રહી છે. હરિયાણાના હથિનીકુંડમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે દિલ્હીમાં યમુનાની જળસ્તર વધી રહ્યું છે. જળસ્તર વધુ વધશે તો શહેરમાં પુરના પાણી ફરીવળે તેવી શક્યતા છે, જેને કારને શહેરીજનો ચિંતામાં છે. દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ પૂરની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ યમુના નદી 206 મીટરના સ્તરને પાર કરશે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સોમવાર સાંજ સુધીમાં જળસ્તર 205.63 મીટર સુધી પહોંચ્યું હતું. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) એ આગાહી કરી હતી કે મંગળવારે જળસ્તર 206 મીટરને પાર જઈ શકે છે.
દિલ્હીમાં સતત પડી રહેલા વરસાદ અને યમુના નદીમાં વધી રહેલી જળ સપાટીને કારણે યમુના બજારમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે.
મુખ્ય પ્રધાને નિરીક્ષણ કર્યું:
યમુના નદીનું જળસ્તર જોખમનું નિશાન ઓળંગ્યા બાદ, દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને પ્રધાન પરવેશ વર્માએ પણ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ખાતરી આપી હતી કે આ વખતે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી નહીં થાય, ચિંતા કરવા જેવી સ્થિતિ નથી. રાહત અને બચાવ કામગીરી માટે મુખ્ય સ્થળોએ 14 બોટ તૈનાત કરવામાં આવી છે.
બે વર્ષ પહેલા 2023માં દિલ્હીએ પૂર આવ્યું હતું, ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને 25,000 થી વધુ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા હતા. એ સમયે યમુના નદી 208.66 મીટરની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો…દિલ્હીમાં યમુના નદી મચાવી શકે છે તબાહી! પાણીનું સ્તર 205.36 મીટરે પહોચ્યું