કેશ ઓન ડિલિવરી પર iPhone મંગાવી ડિલિવરી બોયની હત્યા કરી નાખી, જાણો ચોંકાવનારા કિસ્સા વિષે
લખનઉ: તાજેતરમાં જ લોન્ચ થયેલા Apple iPhone 16 માટે લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, વેચાણ શરુ થવાના દિવસે મુંબઈ અને દિલ્હીના એપલ સ્ટોરની બહાર લાંબી લાઈન જોવા મળી હતી, લોકો ધક્કામુકી કરીને પણ સૌ પહેલા iPhone મેળવવા ઈચ્છતા હતાં. એવામાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આઇફોન મફતમાં મેળવવા માટે બે શખ્સોએ ડિલિવરી બોયની હત્યા કરી નાખી.
અહેવાલ મુજબ લખનઉના ચિન્હાટ વિસ્તારના રહેવાસી ગજાનને ફ્લિપકાર્ટ પરથી લગભગ 1.5 લાખ રૂપિયાનો આઈફોન ઓર્ડર કર્યો હતો. આ ચૂકવવા માટે તેણે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો હતો. 23 સપ્ટેમ્બરે ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય ગજાનનના ઘરે આઇફોન ડિલિવરી કરવા પહોંચ્યો હતો. આ પછી ગજાનન અને તેના સાથીઓએ ડિલિવરી બોય ભરત સાહુનું ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી તેઓએ લાશને ઈન્દિરા કેનાલમાં ફેંકી દીધી હતી.
લખનઉ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ચિન્હાટના ગજાનને ફ્લિપકાર્ટ પરથી ફોન મંગાવ્યો હતો અને કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે ડિલિવરી બોય ભરત સાહુ ફોનની ડિલિવરી કરવા તેના ઘરે ગયો ત્યારે આરોપીએ તેની હત્યા કરી નાખી. આ પછી તેના મૃતદેહને બોરીમાં બાંધીને ઈન્દિરા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો.”
આ રીતે આરોપી પકડાયા:
પોલીસે જણાવ્યું કે ડિલિવરી બોય ભરત સાહુ બે દિવસ સુધી ઘરે ન પહોંચ્યો. આ પછી તેના પરિવારજનોએ ચિનહાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે ભરત સાહુની કોલ ડિટેઈલની તપાસ કરી અને તેનું છેલ્લું લોકેશન શોધી કાઢ્યું. કોલ ડિટેઈલ પરથી ગજાનનનો નંબર મળ્યો અને ત્યાર બાદ પોલીસ તેના મિત્ર આકાશ સુધી પહોંચી.
પોલીસ પૂછપરછ દરમિયાન આકાશે ગુનો કબૂલી લીધો છે. હજુ સુધી ડિલિવરી બોયનો મૃતદેહ મળ્યો નથી. SDRFની ટીમ ઈન્દિરા કેનાલમાં મૃતદેહ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
Also Read –