ઉત્તરકાશી: ₹5 લાખને બદલે વળતર પેઠે માત્ર ₹5000 મળતાં પૂર પીડિતોનો હોબાળો, ધામી સરકાર પર આરોપ | મુંબઈ સમાચાર

ઉત્તરકાશી: ₹5 લાખને બદલે વળતર પેઠે માત્ર ₹5000 મળતાં પૂર પીડિતોનો હોબાળો, ધામી સરકાર પર આરોપ

ઉત્તરકાશી: ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં આવેલા ફ્લેશ ફ્લડને કારણે ભારે તારાજી સર્જાઈ (Flash Flood in Dharali, Uttarkashi) છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, અને હજુ પણ 50 લોકો ગુમ થયા છે. પુરને કારણે વિસ્તારની ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે, ધરાલીના રહેવાસીઓએ નુકસાનના વળતર પેટે માત્ર 5,000 રૂપિયા મળતા સરકાર સામે નારાજગી ફેલાઈ છે. રહેવાસીઓએ ચેક સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

નોંધનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે જે લોકોના ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે તેમને અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 5 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવશે. મહેસૂલ સચિવની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિને રીહેબીલીટેશન અને લાઇવલીહૂડ રિવાઈવલ માટે યોજના તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જેનો પ્રારંભિક અહેવાલ એક અઠવાડિયાની અંદર મોકલવાનો આદિશ આપવામાં આવ્યો હતો.

સ્થાનિકોનો હોબાળો:

હવે દુર્ઘટના પીડિત ધરાલીના રહેવાસીઓને પાંચ લાખ રૂપિયાને બદલે માત્ર પાંચ હજાર રૂપિયાના ચેક મળતા હોબાળો મચી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પૂરના કારણે મોટા પાયે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને આ રકમ અપૂરતી છે.

વાયદાની સામે ઓછું વળતર મળવા અંગે અધિકારીઓએ જણાવ્યું કે આ “તાત્કાલિક રાહત” રકમ છે. જોકે, સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે સંપૂર્ણ નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી અને વિગતવાર અહેવાલ તૈયાર કર્યા પછી પૂરું વળતર આપવામાં આવશે. બીજી તરફ ગ્રામજનોએ મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની સરકાર પર નુકસાનની ઓછી આંકણી કરવાનો આરોપ લગાવ્યો.

દરમિયાન, ધરાલીમાં બચાવ કામગીરી ચાલુ છે. SDRF ની ટીમોએ ડોગ સ્ક્વોડ અને થર્મલ ઇમેજિંગ સાધનોની મદદથી ધારાલીમાં ઓપરેશન ચલાવી રહી છે.

આ પણ વાંચો…ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બચાવ કામગીરી ચાલુ, 650 લોકોને બચાવાયા

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button