અયોધ્યામાં રામ મંદિરના શિખર પર થશે ધ્વજારોહણ: 24મી નવેમ્બરના રામ લલ્લાના દર્શન પણ થશે બંધ, જાણો શેડ્યૂલ

190 ફૂટની ઊંચાઈએ ધ્વજ લહેરાશે
અયોધ્યા: રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને દોઢ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે ત્યારે હવે ભગવાન શ્રી રામના વતન અયોધ્યામાં ફરી એકવાર ભવ્ય અને ઐતિહાસિક સમારોહનું આયોજન થઈ રહ્યું છે. 25 નવેમ્બરના રોજ શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર ધ્વજવંદન સમારોહ યોજાશે.
PM મોદી અને મોહન ભાગવત રહેશે હાજર
શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર થનાર ધ્વજવંદન મંદિરના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બની રહેશે. મંદિરમાં ફરકાવવામાં આવનાર ધ્વજ ત્રિકોણાકાર આકારનો છે અને તેને 190 ફૂટની ઊંચાઈએ ફરકાવવામાં આવશે. આ સમારોહ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરમાં પ્રવેશ 25 નવેમ્બરના સવારે 8 વાગ્યે શરૂ થશે અને 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. કાર્યક્રમ બપોરે 2 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, મંદિરમાં ચાલી રહેલા વ્યાપક બાંધકામને કારણે આ કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં પૂર્વી ઉત્તર પ્રદેશને પ્રાથમિકતા અપાઈ છે.
આ ધ્વજવંદન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત હાજર રહેશે. તેમની સાથે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.
દર્શન માટેની અસ્થાયી વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે, રામ મંદિરના મહત્વપૂર્ણ સમારોહને કારણે રામ લલ્લાના દર્શન માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 24 નવેમ્બરની સાંજથી ભક્તો માટે રામ લલ્લાના દર્શન બંધ રહેશે. 26 નવેમ્બરના સવારે 7 વાગ્યાથી ભક્તો ફરીથી રામ લલ્લાના દર્શન કરી શકશે. ટ્રસ્ટે આ ધ્વજવંદન સમારોહમાં આમંત્રિત મહેમાનો માટે 1,600 રૂમની વ્યવસ્થા કરી છે.
આપણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ અંગે વિપક્ષે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સી પર સવાલ ઉઠાવ્યા! જાણો કોણે શું કહ્યું?



