નેશનલ

પાંચ વર્ષ પહેલા રમણ સરકારે ફસાવવાની કોશિશ કરી હતી, હવે ઇડી…..

મહાદેવ એપનો ઉલ્લેખ કરી છત્તીસગઢના મુખ્ય પ્રધાનનો પલટવાર

નવી દિલ્હીઃ મહાદેવ બેટિંગ એપને લઈને છત્તીસગઢનું રાજકારણ ગરમાયું છે. જ્યારથી કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ તેની તપાસમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ લીધું છે ત્યારથી ભાજપ કોંગ્રેસ અને મુખ્ય પ્રધાન પર સતત પ્રહારો કરી રહી છે. હવે આ મામલે સીએમ બઘેલે મોટું નિવેદન આપ્યું છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે પૂર્વ સીએમ રમણ સિંહ પર 5 વર્ષ પહેલા તેમને ફસાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. સીએમ બઘેલે કહ્યું હતું કે રાજ્યમાં બીજેપીના પતનની એ દિવસથી જ શરૂઆત થઇ ગઇ હતી.

સીએમે કહ્યું હતું કે, “પાંચ વર્ષ પહેલા ડૉ. રમણ સિંહે મને એક ષડયંત્રમાં ફસાવવાની કોશિશ કરી હતી, તે જ દિવસથી રાજ્યમાં ભાજપના પતનની શરૂઆત થઇ ગઇ હતી. હવે કેન્દ્ર સરકાર ઇડી દ્વારા મારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે, હવે કેન્દ્ર સરકારના પતનની પણ શરૂઆત થઇ ગઇ છે. જો તમે કોઈને બદનામ કરવાનો ષડયંત્રકારી પ્રયાસ કરો છો, તો તમારું પતન નિશ્ચિત છે. છત્તીસગઢના લોકો ચોક્કસપણે સીધાસાદા છે, પરંતુ તેઓ ન્યાયી પણ છે.”

આ ઉપરાંત પીએમ મોદી પર પલટવાર કરતા ભૂપેશ બઘેલે વડાપ્રધાન મોદીના નિવેદન પર કહ્યું હતું કે તેઓ વારંવાર કહે છે કે તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે, તેથી તેમની સાથે દુર્વ્યવહાર થાય છે, પરંતુ હું પણ ઓબીસી છું, તો પછી તેઓ મારી સાથે દુર્વ્યવહાર કેમ કરે છે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન બઘેલ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે મહાદેવનું નામ પણ છોડ્યું નથી. છત્તીસગઢના મુખ્ય પ્રધાને જણાવવું જોઈએ કે આ કૌભાંડ સાથે તેમનું શું જોડાણ છે. આખું છત્તીસગઢ આ જ વાત કહી રહ્યું છે. 30% કટકી આપો તો તમારુ કામ થવાની ગેરંટી પાકી. પૈસા જુગારીઓના છે. મહાદેવ એપ દ્વારા ગરીબોને લૂંટવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ જાણે છે કે આ એપના તાર કેટલા દૂર દૂર સુધી જોડાયેલા છે. અહીંના મુખ્ય પ્રધાન બેશરમ થઈ ગયા છે.

સીએમ બઘેલે આ મામલે કહ્યું હતું કે આનાથી મોટી મજાક શું હોઈ શકે. જો હું કોઈની ધરપકડ કરું અને એના મોઢે પીએમનું નામ બોલાવું તો તમે પીએમની પૂછપરછ કરશો? કોઈનું નામ ઉછાળવું ખૂબ જ સરળ છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી લડી રહ્યો નથી. ચૂંટણી લડી રહેલી તમામ એજન્સીઓ ભાજપની તરફેણમાં છે. માત્ર મને બદનામ કરી રહ્યા છે. ભાજપના લોકોને શરમ નથી. ભાજપ મારાથી ડરે છે, તેથી જ તેઓ મારું નામ લઈને મને બદનામ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button