એક જ મહિનામાં પાંચ લાખ લોકો મોડા પડ્યા, જાણો કેવી રીતે..
મુંબઈઃ આ વર્ષે જાન્યુઆરીમાં ફ્લાઈટમાં વિલંબને કારણે 4.82 લાખ મુસાફરોને અસર થઈ હતી, જેના માટે એરલાઈન્સ કંપનીઓએ વળતર તરીકે રૂ. 3.69 કરોડ ખર્ચવા પડ્યા હતા. આ માહિતી માસિક એર ટ્રાફિક ડેટા પરથી સામે આવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા ગુરુવારે જારી કરાયેલા આંકડા અનુસાર, જાન્યુઆરીમાં ઘરેલુ મુસાફરોની સંખ્યા ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 4.69 ટકા વધીને 1.31 કરોડ થઈ ગઈ છે. જાન્યુઆરી 2023માં સ્થાનિક પેસેન્જર ટ્રાફિક 1.25 કરોડ હતો.
એર ટ્રાફિક ડેટા પરથી મળેલી માહિતી અનુસાર, ફ્લાઇટમાં વિલંબ કરવા ઉપરાંત, વિવિધ એરલાઇન્સે ગયા મહિને 1,374 મુસાફરોને બોર્ડિંગ ફ્લાઇટ્સમાંથી રોક્યા હતા. આ કારણે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવા અને રહેવા અને કેટરિંગની સુવિધા પૂરી પાડવા માટે રૂ. 1.28 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ડીજીસીએના ડેટા અનુસાર, એરલાઇન્સોએ 68,362 મુસાફરોને રિફંડ અને પુનઃબુકિંગની ઓફર કરી હતી અને જાન્યુઆરીમાં ફ્લાઇટ્સ રદ કરવા બદલ વળતર તરીકે રૂ. 1.43 કરોડ ચૂકવ્યા હતા. ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિક મોરચે, ઈન્ડિગોએ ગયા મહિને 79.09 લાખ મુસાફરો સાથે 60.2 ટકા બજાર હિસ્સો હાંસલ કર્યો હતો. આ પછી 15.97 લાખ મુસાફરો સાથે એર ઈન્ડિયાનો હિસ્સો 12.2 ટકા હતો.