રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ભીષણ અથડામણઃ પાંચનાં મોત
જયપુરઃ રાજસ્થાનના કરૌલી જિલ્લામાં કાર અને બસ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. આ જાણકારી પોલીસે આજે આપી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત થઇ હતી અને તેનો આગળનો ભાગ બસની નીચે ફસાઇ ગયો હતો.
કરૌલીના પોલીસ અધિક્ષક બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાયે જણાવ્યું કે કારમાં સવાર લોકો કૈલા દેવી મંદિરના દર્શન કર્યા બાદ ગંગાપુર શહેર તરફ જઇ રહ્યા હતા, ત્યારે કુડગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સલેમપુર-કુડગાંવ રોડ પર મંગળવારે રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.
આપણ વાંચો: પંજાબના માનસામાં ખેડૂતો પર લાઠીચાર્જ, અથડામણમાં પોલીસકર્મીઓ અને ખેડૂતો ઘાયલ
એસપીના જણાવ્યા અનુસાર કારમાં સવાર તમામ પાંચ લોકો- નયન દેશમુખ (૬૦), તેની બહેન પ્રીતિ ભટ્ટ (૬૦), તેનો પુત્ર ખુશ દેશમુખ (૨૨), તેની પુત્રી મનસ્વી (૨૫) અને એક સંબંધી અનિતા (૫૫)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
કુડગાંવ પોલીસ સ્ટેશનના પ્રભારી રુકમણી ગુર્જરે જણાવ્યું કે પીડિતો મધ્ય પ્રદેશના ઇન્દોરના રહેવાસી હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે શબઘરમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારના સભ્યો આવ્યા બાદ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે.