આ કારણે લગભગ 700 માછીમાર લોકસભામાં પણ નહીં કરી શકે મતદાન
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં ગાંઢવી અને નાવદ્રા વિસ્તારોમાં લગભગ 700 જેટલા મતદાર નિરાશ થયા છે, કારણ કે તેમનું નામ મતદાન યાદીમાં નથી. ગયા માર્ચ મહિનામાં તેમના ઘર ડિમોલીશ કરવામાં આવ્યા હતા અને ફરી મતદાન યાદીમાં તેમના નામ જોડવામાં આવ્યા નથી.
અહીંના એક માછીમારના કહેવા અનુસાર માર્ચ મહિનામાં જ્યારે ડિમોલિશન થયું ત્યારે અહીંના માછીમારો દ્વારકાના રૂપેણ બંદર અથવા માંગરોળ, માધવપુર અને હીરાકોટના બંદર બાજુ શિફ્ટ થયા હતા. જ્યારે ડિમોલિશન થયું ત્યારે અહીંના પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે અમે આધાર, પેન કાર્ડ કે મતદાર કાર્ડમાં સરનામું ન બદલીયે કારણ કે અમને અહીં ફરી રહેવા મળે તેવી શક્યતા છે. આથી અમે સરનામું બદલ્યું ન હતું, પરંતુ હવે અહીંની મતદાર યાદીમાં પણ અમારું નામ નથી.
આ મોટાભાગના મતદારો લઘુમતી કોમના હોવાનું સ્થાનિકોએ એક અખબારને જણાવ્યું હતું.
ચૂંટણી પંચના સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના નામ યોગ્ય પ્રક્રિયા બાદ જ રદ કરવામાં આવ્યા છે.