કાશ્મીર ખીણના મેદાની વિસ્તારોમાં મોસમની થઈ પહેલી હિમવર્ષાઃ શ્રીનગર-લેહ હાઈ-વે બંધ
શ્રીનગરઃ કાશ્મીર ખીણના મેદાની વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં મોસમની પ્રથમ હિમવર્ષા થઇ હતી. જ્યારે ઊંચાણવાળા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો હતો તેમ જ ખીણના મોટા ભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં સુધારો થયો હોવાનું અધિકારીઓએ આજે જણાવ્યું હતું.
શોપિયાં, પુલવામા અને બારામુલ્લાના મેદાની વિસ્તારોની સાથે સાથે અનંતનાગ, બડગામ અને બાંદીપોરાના ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઇ હતી. જો કે જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં હિમવર્ષા થઇ હતી.
ગુલમર્ગ, સોનમર્ગ, તંગમર્ગ, ગુરેઝ અને ઝોજિલા પાસના પ્રવાસન રિસોર્ટ સહિત ખીણના ઊંચા વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઝોજિલા પાસ પર બરફ જામી જવાથી શ્રીનગર-લેહ હાઇ-વે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો તેમ જ બાંદીપોરા-ગુરેઝ રોડ અને મુગલ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Winter 2024: ગુજરાતમાં ઉત્તર ભારતની હિમવર્ષાની અસર, ગાંધીનગરમાં લધુત્તમ તાપમાન11.8 ડિગ્રી નોંધાયું
અધિકારીઓના જણાવ્યા અનુસાર બરફ દૂર કરવા અને રોડ ટ્રાફિકને પુનઃસ્થાપતિ કરવા માટે માનવ અને મશીનરી તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ આજે બપોરથી હવામાનમાં સુધારો થવાની આગાહી કરી છે.
૨૦ ડિસેમ્બર સુધી મુખ્યત્વે શુષ્ક સ્થિતિ રહેવાની ધારણા છે. આ દરમિયાન વાદળછાયા આકાશને કારણે શ્રીનગર સહિત ખીણમાં રાત્રિના તાપમાનમાં વધારો નોંધાયો હતો. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૦.૫ ડિગ્રી નોંધાયું હતું, જે ગત રાત્રે માઇનસ ૩ ડિગ્રી સેલ્સિયસ હતું. ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.