દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવાના આરોપસર પહેલી FIR, ખેડૂત સામે પોલીસે નોંધ્યો ગુનો
નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવાના આરોપ હેઠળ આ વર્ષે પહેલીવાર એક ખેડૂત સામે પોલીસે FIR દાખલ કરી છે. ગત 9 નવેમ્બરે ખેડૂતે તેના ખેતરમાં પરાળી બાળી હતી. જેની માહિતી મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ખેતરમાં પહોંચ્યા હતા. પોલીસે ખેડૂત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દિલ્હી પાસે આવેલા ઝટીકરા ગામમાં 68 વર્ષીય ઓમપ્રકાશ નામનો ખેડૂત તેના પરિવાર સાથે રહે છે. 9 નવેમ્બરે પોલીસને સૂચના મળી હતી કે એક ખેતરમાં આગ લાગી છે. સૂચના મળતાવેંત પોલીસ અધિકારીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે ખેતરમાં કેટલાક ખેતમજૂરો પરાળી બાળી રહ્યા હતા. જેને પગલે સમગ્ર ગામમાં ધુમાડો ફેલાઇ ગયો હતો.
પોલીસે ખેડૂત ઓમપ્રકાશ સામે વાયુ પ્રદૂષણ અધિનિયમ અને આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. દિલ્હી સરકારે પરાળી બાળવાની પ્રવૃત્તિ પર સખત રોક લગાવી છે એવામાં કોઇપણ એવો વ્યક્તિ જેની આ ક્રિયામાં સંડોવણી હોય તેની સામે પોલીસ કડકમાં કડક પગલા લેશે.