નવી દિલ્હી: કોરોના બાદ સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવનાર જીવલેણ મંકીપોક્સ ક્લેડ 1b સ્ટ્રેનનો પ્રથમ કેસ ભારતમાં નોંધાયો છે. પીટીઆઈએ સોમવારે સત્તાવાર સૂત્રો પાસેથી આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ એ જ સ્ટ્રેન છે જેને ગયા મહિને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. Mpox Clade 1B વેરિઅન્ટનો આ કેસ કેરળમાં જોવા મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પરત ફરેલ 38 વર્ષીય મલપ્પુરમના એક વ્યક્તિ ‘Clade 1B સ્ટ્રેન’થી સંક્રમિત છે.
હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર દર્દીની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યું છે કે “આ મંકીપોકસના સ્ટ્રેનનો પ્રથમ કેસ છે. આ સ્ટ્રેનને કારણે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા મહિને બીજી વખત Mpoxને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી,” તેમણે કહ્યું. અગાઉ, રાષ્ટ્રીય રાજધાનીમાં નોંધાયેલ Mpoxનો કેસ હરિયાણાના હિસારના 26 વર્ષીય વ્યક્તિનો હતો, જે આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ આફ્રિકન ‘ક્લેડ 2’ વેરિઅન્ટથી સંક્રમિત થયો હતો.
આ મહિને દિલ્હીમાં નોંધાયો હતો કેસ:
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ MPOX ને 2022થી ‘આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી’ જાહેર કરી ત્યારથી ભારતમાં 30 કેસ નોંધાયા છે. દરમિયાન, આ મહિનાની શરૂઆતમાં દિલ્હીની લોક નાયક જયપ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલમાં દાખલ એક MPox દર્દીને રજા આપવામાં આવી છે. હોસ્પિટલના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
કેરળ સરકારે કરી અપીલ:
પ્રથમ કેસ નોંધાયા બાદ કેરળના આરોગ્ય પ્રધાન વિના જ્યોર્જે વિદેશથી પરત ફરનારા અને અન્ય લોકોને અપીલ કરી છે કે જો તેઓમાં લક્ષણો હોય તો આરોગ્ય વિભાગને જાણ કરો અને શક્ય તેટલી વહેલી તકે સારવાર કરો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે વિવિધ જિલ્લાઓની સરકારી હોસ્પિટલોની યાદી પણ બહાર પાડી જ્યાં અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે સારવાર અને અલગતાની સુવિધાઓ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સિવાય રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં પણ સારવાર ઉપલબ્ધ છે.