નેશનલ

Modi 3.0 સરકાર શપથ લેતા જ એક્શન મોડમાં, સાંજે કેબિનેટની પ્રથમ બેઠક

નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચુંટણીમાં એનડીએ(NDA)મેળવેલી બહુમતી બાદ મોદી સરકાર 3.0(Modi 3.0) શરૂ થઈ ગઈ છે. શપથ લીધા બાદ મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજે સાંજે 5 વાગ્યે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે. આ પહેલા મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ વખતે પીએમ મોદી ડેવલપ ઈન્ડિયા મિશન અને મોદીની ગેરેન્ટીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને પોતાનો પોર્ટફોલિયો આપશે. દરેકની નજર કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)મંત્રીઓ પર છે એટલે કે મોદી સરકારમાં ટોચના ચાર મંત્રી કોણ હશે.

પીએમ મોદીનો ત્રીજો શપથ સમારોહ સૌથી લાંબો હતો

આ પહેલા રવિવારે મોદી સરકાર 3.0નો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શપથ સમારોહમાં વિદેશી મહેમાનો તેમજ દેશભરમાંથી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. પીએમ મોદીનો ત્રીજો શપથ સમારોહ સૌથી લાંબો હતો. પીએમ મોદી સહિત 72 લોકોએ મંત્રી તરીકે શપથ લીધા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા.

મોદી કેબિનેટમાં 6 પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાન મળ્યું

આ વખતે મોદી સરકાર 3.0માં 6 પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં રાજનાથ સિંહ ત્રીજી વખત કેબિનેટ મંત્રી બન્યા છે, જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટર પહેલીવાર મંત્રી બન્યા છે. સર્બાનંદ સોનોવાલને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપના સહયોગી હમ પાર્ટીના વડા જીતન રામ માંઝી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

કેબિનેટમાં 60 મંત્રીઓ ભાજપના ક્વોટામાંથી

આ વખતે પીએમ મોદીએ તેમના તમામ સાથીઓને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું છે. આ વખતે 72 મંત્રીઓની કેબિનેટમાં 60 મંત્રીઓ ભાજપના ક્વોટામાંથી છે. જ્યારે જેડીયુ અને ટીડીપીમાંથી 2-2 મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે જેડીએસ, એલજેપી, એચએએમ, આરપીઆઈ, અપના દળ એસ, શિવસેના શિંદે જૂથ અને આરએલડીમાંથી એક-એક મંત્રી બનાવવામાં આવ્યા છે.

Read Also –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button