
શ્રીનગર: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત (India-Pakistan Tension) વધી રહ્યો છે. ભારત પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
અમેરિકાએ બન્ને દેશોને શાંતિ જાળવવા અને વાતચીતથી સમાધાન લાવવા અપીલ કરી છે, પરંતુ પાકિસ્તાની સેના તરફથી સતત ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર સતત આઠમા દિવસે ગોળીબાર (Ceasefire violation on LoC) કર્યો હતો.
અહેવાલ મુજબ ગત રાત્રે પાકિસ્તાની સેનાએ ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. સીમા નજીક આવેલા કાશ્મીરના ઘણા વિસ્તારોમાં નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. કુપવાડા, બારામુલ્લા, પૂંછ, નૌશેરા અને અખનૂર વિસ્તારોમાં ગોળીબારની ઘટના બની હતી. ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો, આંતકીઓએ અગાઉ કરી હતી વિસ્તારની રેકી
કોઈ નુકશાન નહીં:
ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “1-2 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ કુપવાડા, બારામુલ્લા, પૂંછ, નૌશેરા અને અખનૂરના વિસ્તારોમાં LoC પારથી કોઈ ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો હતો.
ભારતીય સેનાના જવાનોએ તાત્કાલિક અને વળતો રીતે જવાબ આપ્યો હતો. ગોળીબારમાં કોઈ નુકસાન થયું હોવાના તાત્કાલિક અહેવાલ નથી.”
સતત આઠમી રાતે ગોળીબાર:
સતત આઠમી રાતે LoC પર યુદ્ધ વિરામનું ઉલંઘન કર્યું હતું. ગોળીબારની ઘટનાઓ 24 એપ્રિલની રાત્રે શરૂ થયેલી તરહી હતી. કાશ્મીરના કુપવાડા અને બારામુલ્લાથી માંડીને જમ્મુના પૂંછ, અખનૂર, સુંદરબની, નૌશેરા અને પરગલ સેક્ટર સુધી ગોળીબારની ઘટના બની હતી, જેને કારણે સ્થાનિકોમાં ફફડાટનો માહોલ છે.
ભારત આપી ચુક્યું છે ચેતવણી:
મંગળવારે ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) એ હોટલાઇન પર વાતચીત કરી હતી જેમાં ભારતીય પક્ષે પાકિસ્તાનને ઉશ્કેરણી વિના ગોળીબાર સામે ચેતવણી આપી હતી, છતાં આવી ઘટનાઓ સતત બની રહી છે.