કેનેડામાં કપિલ શર્માના Cap’s Cafe પર ફાયરિંગ: ખાલિસ્તાની આતંકીએ લીધી જવાબદારી, પોલીસ તપાસ શરૂ

ટોરન્ટો/સરેઃ જાણીતા કોમેડિયન કપિલ શર્મા કોમેડીનો પર્યાય બની ચૂક્યો છે. કોમેડીની સાથોસાથ તાજેતરમાં કેનેડા ખાતે Cap’s Cafeની પણ શરૂઆત કરી હતી. પરંતુ આજે આ કેફેમાં એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કેપ્સ કેફે પરના ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
હુમલાખોરે કારમાંથી કર્યું ફાયરિંગ
કેનેડાના સરે ખાતે 4 જુલાઈ 2025ના રોજ કપીલ શર્માએ પોતાના Cap’s Cafeનું ઉદ્ધાટન કર્યું હતું. જોકે કેફે શરૂ થયાના 6 દિવસ બાદ જ તેને હુમલાખોરોએ તેને ટાર્ગેટ બનાવ્યો છે. આજે Cap’s Cafe ખાતે એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, Cap’s Cafeની બહાર એક કારમાં બેસેલા શખસે પિસ્તોલ કાઢીને ધડાધડ દસથી 12 રાઉન્ડ ફાયરિંગ કરી રહ્યો છે. જોકે ફાયરિંગની આ ઘટનાને લઈને કોઈ જાનહાનિ થઈ હોવાની વાત સામે આવી નથી.
ખાલિસ્તાની આતંકીએ લીધી ફાયરિંગની જવાબદારી
એનઆઈએની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લડ્ડીએ આ ફાયરિંગની જવાબદારી લીધી છે. એવું આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો જણાવી રહ્યા છે. જોકે આ ફાયરિંગનો ઉદ્દેશ્ય હજુ સુધી સ્પષ્ટ થયો નથી. Cap’s Cafe પર થયેલા ફાયરિંગને લઈને કેનેડાની પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર હુમલાખોર એક કારમાં આવ્યો હતો અને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: કપિલ શર્મા, રાજપાલ યાદવ સહિત ચારને મારી નાખવાની ધમકીઃ જાણો વિગતો
નેટફ્લિક્સના શોમાં પણ Cap’s Cafeનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે, ગત મહિને નેટફ્લિક્સ પર કપિલ શર્માની ‘ધ કપીલ શર્મા શો સીઝન 3’ શરૂ થઈ ચૂકી છે. જેના સેટ પર પણ Cap’s Cafeનો ઉલ્લેખ જોવા મળે છે. કપિલ શર્માના શોની આ નવી સીઝનના અત્યારસુધી ત્રણ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. જેના પહેલા એપિસોડમાં મુખ્ય મહેમાન તરીકે સલમાન ખાનને બોલાવવામાં આવ્યો હતો.
ઘટના અંગે કેનેડાની પોલીસ કરી રહી છે તપાસ
હાલમાં આ ઘટના અંગે કેનેડાની પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે હુમલાખોરોની તપાસ કરવાની કોશિશ કરી રહી છે. આ હુમલાને કારણે કેનેડામાં વસતા ભારતીયોમાં પણ ચિંતાનો માહોલ ઊભો થયો છે.